લંડનઃ આવનારા દાયકાઓમાં પરમાણુ યુદ્ધ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ કરીને બનાવવામાં આવતાં જૈવિક હથિયારો માનવજાતિના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બની શકે છે. ધ લેન્સેટ કમિશન ઓન 21સ્ટ સેન્ચુરી ગ્લોબલ થ્રેટ્સ ટુ હેલ્થના નવા વૈશ્વિક મૂલ્યાંકનમાં આ ચેતવણી આપવામાં આવી છે.
આ અભ્યાસ માટે નિષ્ણાતોએ આરોગ્ય અને માનવ અસ્તિત્વ સામે ઊભા થઈ શકે તેવા સેંકડો જોખમોની તપાસ કરી હતી. તેમાંથી 17 મુખ્ય જોખમો ઓળખવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, AIનો દુરુપયોગ કરીને જૈવિક હથિયારોના વિકાસમાં મદદ મેળવી શકાય છે, જે માનવ સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર પરિણામો લાવી શકે છે.
પરમાણુ યુદ્ધની અસર માત્ર તાત્કાલિક જાનહાનિ પૂરતી મર્યાદિત નહીં રહે. મોટા પાયે થતા પરમાણુ વિસ્ફોટથી વાતાવરણમાં ધૂળ અને અન્ય કણો ફેલાય છે, જે સૂર્યપ્રકાશને રોકી શકે છે. તેના કારણે વૈશ્વિક તાપમાન અને ખેતી પર અસર પડે છે અને મોટા પાયે ભૂખમરો સર્જાઈ શકે છે. આ સ્થિતિ માનવજાતિના અસ્તિત્વ માટે પણ જોખમી બની શકે છે.
મૂલ્યાંકનમાં અન્ય 15 મોટા જોખમોની પણ ઓળખ કરવામાં આવી છે. તેમાં વાયુ પ્રદૂષણ, આબોહવા પરિવર્તન, એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, બાળ કુપોષણ, પરંપરાગત યુદ્ધો, આંતરરાષ્ટ્રીય આરોગ્ય સહાયમાં ઘટાડો, હાઈ બ્લડ પ્રેશર, આવકની અસમાનતા, શિક્ષણનું નીચું સ્તર, કુદરતી રોગચાળા, સ્થૂળતા, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, ધૂમ્રપાન અને બિનઆરોગ્યપ્રદ વૃદ્ધાવસ્થાનો સમાવેશ થાય છે.