સત્ય. સાહસ. સંકલ્પ.

લાલો બાદ નવી ગુજરાતી ફિલ્મની જાહેરાત: 11 નવેમ્બરે ટ્રેઝર આઇલેન્ડ સામે ટક્કર

લાલો બાદ નવી ગુજરાતી ફિલ્મની જાહેરાત: 11 નવેમ્બરે ટ્રેઝર આઇલેન્ડ સામે ટક્કર

ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ 'લાલો'ના નિર્માતાઓએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ પણ ડિરેક્ટર અંકિત સખિયા દ્વારા જ ડિરેક્ટ કરવામાં આવશે. ફિલ્મ આવતા વર્ષે 11 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

નિર્માતાઓના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ ગુજરાતની પવિત્ર ધરતી, તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને લાગણીઓ સાથે જોડાયેલી હશે. ફિલ્મની વાર્તા એવી છે જે અગાઉ ક્યારેય ગુજરાતી સિનેમામાં જોવા મળી નથી. હાલમાં ફિલ્મનું નામ ટેમ્પરરી રૂપે 'પ્રોડક્શન નંબર 2' રાખવામાં આવ્યું છે.

ફિલ્મના અનાઉન્સમેન્ટ વીડિયોમાં 'જય ગિરનારી' સાથે 'એક નવી સફર.. એક નવી કહાની....એક નવો ઇતિહાસ...' ટૅગલાઇન આપવામાં આવી છે. પોસ્ટરમાં દેખાતા પાળિયા અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પરથી અનુમાન થાય છે કે ફિલ્મ ગુજરાતની ધરતી માટે અમર થયેલા યોદ્ધાની ઐતિહાસિક કથા રજૂ કરી શકે છે. જોકે, ફિલ્મના કલાકારો અંગે હજી કોઈ માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે 11 નવેમ્બરે સોની પિક્ચર્સ અને ડિરેક્ટર રિડલી સ્કોટની મેગા બજેટ હોલિવૂડ ફિલ્મ 'ટ્રેઝર આઇલેન્ડ' પણ રિલીઝ થવાની છે. આમ, ગુજરાતી ફિલ્મને બોક્સ ઓફિસ પર હોલિવૂડની મોટી ફિલ્મ સાથે સીધી ટક્કર મળશે.

'લાલો'માં કરણ જોશીએ રિક્ષાચાલક લાલજી પરમાર ઉર્ફે લાલો, રીવા રાચ્છે તેની પત્ની અને શ્રુહદ ગોસ્વામીએ વાસુદેવની ભૂમિકા ભજવી હતી. માત્ર ₹50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરીને ઇતિહાસ રચ્યો હતો. રિલીઝ સમયે ફિલ્મ ખાસ હિટ નહોતી થઈ અને સ્ક્રીનિંગ શો પણ ઘટી રહ્યા હતા, પરંતુ ટીમે લોકો વચ્ચે જઈને પ્રમોશન કર્યું અને ત્યારબાદ ફિલ્મની ગતિમાં જે ફેરફાર થયો તે ચમત્કારથી ઓછો નહોતો.