ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક અને ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા લલિત મોદીએ બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી છે. 14 નવેમ્બરે ઓક્સફોર્ડ યુનિયનમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે 15 સપ્ટેમ્બર 2026ના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં એક વિશેષ સમારોહમાં તેમને બ્રિટનની નાગરિકતા મળી હતી. લલિત મોદીએ તેને પોતાના જીવનની ગર્વની ક્ષણ અને નવા અધ્યાયની શરૂઆત ગણાવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમણે લખ્યું કે, “બ્રિટન વર્ષોથી મારું ઘર રહ્યું છે અને હું અહીંના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ અને મૂલ્યોનું ઊંડું સન્માન કરું છું. બ્રિટિશ નાગરિક બનવું એ મારા માટે સન્માન અને જવાબદારી બંને છે. હવે હું જે દેશને ગર્વથી મારું ઘર કહું છું તેના માટે સકારાત્મક યોગદાન આપવા તત્પર છું.” પોસ્ટના અંતે તેમણે 'ગોડ સેવ ધ કિંગ' લખીને બ્રિટિશ રાજપરિવાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આ જાહેરાત તેમણે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસના અવસરે કરી હતી.
ઉલ્લેખનીય છે કે લલિત મોદીને 2008માં IPLની શરૂઆત કરવાનો અને તેને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેઓ લીગના પ્રથમ ચેરમેન અને કમિશનર હતા. જોકે, શરૂઆતના વર્ષો બાદ કથિત નાણાકીય અનિયમિતતાઓની તપાસ શરૂ થતાં તેઓ 2010માં ભારત છોડીને બ્રિટન ગયા હતા અને ત્યારથી લંડનમાં વસવાટ કરે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ મુજબ, લલિત મોદી સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન હેઠળ અંદાજે 1,975 કરોડ રૂપિયાના કૌભાંડના ચાર મુખ્ય કેસ નોંધાયેલા છે. આમાં સૌથી મોટો હિસ્સો 2009માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી IPLની બીજી સીઝન માટે RBIની મંજૂરી વગર 1,350 કરોડ રૂપિયા વિદેશ મોકલવાનો અને તેની વિદેશી કમાણી ભારત પરત ન લાવવાનો છે. આ ઉપરાંત મોરેશિયસ સ્થિત વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપ (WSG)ને નિયમો નેવે મૂકીને ટેલિકાસ્ટ કોન્ટ્રાક્ટ આપી 425 કરોડ રૂપિયાની 'ફેસિલિટેશન ફી'ની ગેરરીતિ, 2008ની પ્રથમ સીઝનમાં ખેલાડીઓની ગેરંટી પેટે 160 કરોડ રૂપિયા અને વિદેશી કન્સલ્ટન્સી પેમેન્ટમાં 88.5 કરોડ રૂપિયાના નિયમભંગનો સમાવેશ થાય છે. આ મામલે EDએ 15 જેટલી કારણદર્શક નોટિસ મોકલી હોવા છતાં તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. તેમજ BCCIના પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન દ્વારા ચેન્નાઈમાં નોંધાવાયેલી ફરિયાદના આધારે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ પણ ચાલી રહ્યો છે.