સત્ય. સાહસ. સંકલ્પ.

લલિત મોદીના જીવન પર બાયોપિક: સાજિદ નડિયાદવાલા બનાવશે, રણવીર સિંહે દાખવ્યો હતો રસ

લલિત મોદીના જીવન પર બાયોપિક: સાજિદ નડિયાદવાલા બનાવશે, રણવીર સિંહે દાખવ્યો હતો રસ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદીના જીવન પર બાયોપિક બનવાની છે. મનોરંજન વેબસાઇટ 'પિંકવિલા'ના અહેવાલ મુજબ, ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા પોતાની કંપની 'નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ' હેઠળ કરશે.

ફિલ્મની પટકથા પૂર્વ ટીવી અધિકારી અને નિર્માતા સ્નેહા રજની લખી રહ્યા છે. આ ફિલ્મ લલિત મોદીના શરૂઆતના જીવન, IPLની શરૂઆત, તેમની સફળતા અને પછીના વિવાદો પર આધારિત હશે.

અભિનેતા રણવીર સિંહે લલિત મોદીનું પાત્ર ભજવવામાં રસ દાખવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં લલિત મોદીએ જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલાં રણવીર સિંહ તેમને મળવા લંડન ગયા હતા અને બાયોપિકમાં તેમનું પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. લલિત મોદી છેલ્લા લગભગ 16 વર્ષથી લંડનમાં રહે છે.

ફિલ્મના નિર્માતાઓ લલિત મોદીના જીવનની ફક્ત હેડલાઇન્સ અને વિવાદો પર ધ્યાન ન આપતાં તેમના અંગત જીવન અને કારકિર્દીના વિવિધ પાસાં દર્શાવવા માગે છે. ફિલ્મનું લેખન અને વિકાસનું કામ હાલ ચાલુ છે. લલિત મોદીએ ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સ્નેહા રજનીના નેતૃત્વ હેઠળની ટીમ તેમના ડઝનબંધ ઇન્ટરવ્યૂ લઈ ચૂકી છે. જોકે, ફિલ્મની સ્ટાર કાસ્ટ અને દિગ્દર્શક અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી.

લલિત મોદીનું નામ ભારતીય ક્રિકેટ, બિઝનેસ અને મનોરંજનને એકસાથે લાવવા માટે જાણીતું છે. વર્ષ 2008માં તેમણે BCCIના ઉપાધ્યક્ષ તરીકે ફ્રેન્ચાઇઝી આધારિત ટી20 ક્રિકેટ લીગ IPLનો ખ્યાલ રજૂ કર્યો હતો. તેઓ IPLના પ્રથમ ચેરમેન અને કમિશનર બન્યા અને થોડા સમયમાં જ IPL દુનિયાની સૌથી મોટી રમતગમત લીગ બની ગઈ.

જોકે, 2010માં કોચી ટસ્કર્સ કેરળ ફ્રેન્ચાઇઝીની શેરહોલ્ડિંગને લઈને વિવાદ ઊભો થયો. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુનંદા પુષ્કરના 'સ્વેટ ઇક્વિટી' શેરનો ખુલાસો કર્યો હતો, જેના પગલે તત્કાલીન કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે રાજીનામું આપવું પડ્યું હતું.

દિલ્હીના એક મોટા વ્યાપારી પરિવારમાં જન્મેલા લલિત મોદીએ અમેરિકાથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. ભારત પરત ફર્યા બાદ તેમણે જોયું કે લોકોમાં ક્રિકેટ પ્રત્યે ભારે ઉત્સાહ છે. અમેરિકાની રમતોમાંથી પ્રેરણા લઈને તેમણે ભારતમાં IPL શરૂ કરવાનો વિચાર કર્યો. હિમાચલ, રાજસ્થાન અને પંજાબ ક્રિકેટ એસોસિએશનના સભ્ય બન્યા બાદ તેમણે BCCI સાથે મળીને IPLનો પ્લાન તૈયાર કર્યો.

અહેવાલો અનુસાર, BCCIએ લલિત મોદી પર 22 આરોપ લગાવ્યા હતા, જેમાં પોતાના પરિવારને કોન્ટ્રાક્ટ આપવા, IPLના પ્રસારણનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા અને હરાજીમાં ગેરરીતિ કરવા જેવા આરોપો સામેલ હતા. 2010ની IPL ફાઇનલ બાદ તેમને BCCIના ઉપાધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

વર્ષ 2010માં EDએ 2009માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી IPL દરમિયાન વિદેશી ચલણ વ્યવસ્થાપન અધિનિયમ (FEMA)ના ઉલ્લંઘનોની તપાસ શરૂ કરી હતી. ED દ્વારા સમન્સ જારી કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન લલિત મોદી ભારત છોડીને લંડન ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.

વર્ષ 2015માં આ મામલો મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો, જ્યારે લીક થયેલા દસ્તાવેજોથી જાણવા મળ્યું કે તત્કાલીન વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને રાજસ્થાનનાં તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હોવા છતાં લલિત મોદીને યુકેના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ મેળવવામાં સહાય કરી હોવાનું સામે આવ્યું હતું.