ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કુમામોટો જાપાન માસ્ટર્સ 2026નું ખિતાબ જીતી લીધું છે. રવિવારે રમાયેલી પુરુષ સિંગલ્સની ફાઇનલમાં લક્ષ્યએ જાપાનના વર્લ્ડ નંબર-15 કોકી વાતાનાબેને 13-21, 21-18, 21-14થી હરાવ્યો.
એક કલાક 4 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં લક્ષ્યએ પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરીને ટાઇટલ પોતાના નામે કર્યું.
લક્ષ્યનું આ સતત બીજું BWF વર્લ્ડ ટૂર ટાઇટલ છે. તેના બે અઠવાડિયા પહેલાં તેણે જર્મનીમાં હાયલો ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
ઘરઆંગણેના દર્શકોની સામે રમી રહેલા કોકી વાતાનાબેએ શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી. તેણે પ્રથમ ગેમ 21-13થી જીતીને સરસાઈ મેળવી. બીજી ગેમમાં લક્ષ્યએ પોતાની રણનીતિ બદલી અને લાંબી રેલીઓ દ્વારા મેચમાં વાપસી કરી. કડક સંઘર્ષ બાદ તેણે આ ગેમ 21-18થી જીતીને સ્કોર 1-1 કરી દીધો.
નિર્ણાયક ત્રીજી ગેમમાં લક્ષ્યએ શરૂઆતથી જ સરસાઈ જાળવી રાખી. તેણે વાતાનાબેને વાપસી કરવાની કોઈ તક આપી નહીં અને 21-14થી ગેમ જીતીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું.
ફાઇનલ પહેલાં શનિવારે લક્ષ્યએ સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાના વર્લ્ડ નંબર-10 અલવી ફરહાનને હરાવ્યો હતો. ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં તેણે 21-12, 15-21, 21-11થી જીત નોંધાવી હતી.
લક્ષ્ય સેન માટે હાયલો ઓપન પહેલાંનો સમય પડકારજનક રહ્યો હતો. તે સતત 6 ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયો હતો. માર્ચમાં ઑલ ઇંગ્લેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચ્યા બાદથી તે કોઈ મોટા ટાઇટલની રાહ જોઈ રહ્યો હતો.
નવેમ્બરની શરૂઆતમાં તેણે હાયલો ઓપનની ફાઇનલમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ટાઇટલનો દુકાળ ખતમ કર્યો હતો. હવે જાપાન માસ્ટર્સ જીતીને તેણે સતત બીજો BWF વર્લ્ડ ટૂર ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
આ જીતથી વર્ષના અંતે યોજાનારી HSBC BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 2026માં લક્ષ્યની સ્થાન મેળવવાની આશા મજબૂત બની છે. ટુર્નામેન્ટ માટે રેસ ટુ ફાઇનલ્સ રેન્કિંગના ટોચના 8 ખેલાડીઓને જ પ્રવેશ મળશે.
જાપાન માસ્ટર્સ પહેલાં લક્ષ્ય આ રેન્કિંગમાં 12મા સ્થાને હતો. હવે આવતા અઠવાડિયે યોજાનારા હોંગકોંગ ઓપનમાં તેનું પ્રદર્શન મહત્વપૂર્ણ રહેશે.