સત્ય. સાહસ. સંકલ્પ.

લક્ષ્મી ઠગો પર પ્રસન્ન હોય એવું ન માનો, ધન મળવું અને ધન ટકવું એ બે અલગ વાત છે

લક્ષ્મી ઠગો પર પ્રસન્ન હોય એવું ન માનો, ધન મળવું અને ધન ટકવું એ બે અલગ વાત છે

"મેં જીવનમાં ક્યારેય ખોટું કામ નથી કર્યું. કોઈનું દિલ દુભાવ્યું નથી, કોઈને છેતર્યું નથી. છતાં ગરીબી પીછો નથી છોડતી. મહેનત ઘણી, વળતર ઓછું." આ ફરિયાળ તમે ઘણા લોકોના મુખે સાંભળી હશે. સામે ઘણા લોકો અપ્રમાણિક રીતે કે ખોટા કામો કરીને પણ સુખમાં જીવતા દેખાય છે. તેમની પાસે ધન, ઐશોઆરામ અને સગવડો હોય છે.

ત્યારે મનમાં સવાલ થાય કે શું માતા લક્ષ્મીની કૃપા ફક્ત સારા કર્મ કરનારા પર જ થાય છે? જો એમ હોય તો ઠગ અને અપ્રમાણિક લોકો આટલા ધનવાન કેમ બની જાય છે? આ સવાલનો જવાબ સમજવા માટે લક્ષ્મી અને ધન વચ્ચેનો ફરક સમજવો પડશે.

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ફક્ત પૈસા કે સંપત્તિનાં દેવી નથી ગણવામાં આવ્યાં. તેમને ઐશ્વર્ય, સમૃદ્ધિ, સૌભાગ્ય, વૈભવ અને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. ફક્ત પૈસા હોવા અને લક્ષ્મીનો સ્થાયી વાસ હોવો — આ બે તદ્દન અલગ બાબતો છે.

ધન આવવું અને ધન ટકવું એ અલગ વાત છે: ધનની પ્રાપ્તિ વ્યક્તિના પૂર્વજન્મના કર્મો, હાલના પ્રયાસો, વ્યાપારી કુશળતા, તકો અને સંજોગો સાથે પણ જોડાયેલી હોય છે. દરેક ધનવાન વ્યક્તિનું ચરિત્ર આદર્શ જ હોય એ જરૂરી નથી. ઘણીવાર વ્યક્તિ પોતાની બુદ્ધિ અને યોજનાઓનો ઉપયોગ ખોટા કામોમાં કરીને પણ પુષ્કળ ધન ભેગું કરી લે છે. પણ ધન મળી જવાથી તેનાં કાર્યો ધર્મસંગત બની જતાં નથી.

એટલે જ શાસ્ત્રીય ચિંતનમાં ધનની સાથે તે કમાવવાની રીત અને તેનો ઉપયોગ કેવો છે, તેને પણ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. ધર્મના માર્ગે કમાયેલું ધન પરિવારમાં સુખ, સંતોષ અને સામાજિક પ્રતિષ્ઠા વધારનારું મનાય છે. જ્યારે કપટ અને અનીતિથી મેળવેલી સંપત્તિ ડર, વિવાદ, અપરાધભાવ અને અસ્થિરતાનું કારણ બની શકે છે.

કર્મનું ફળ તરત દેખાતું નથી: ગીતાનો કર્મ સિદ્ધાંત પણ આ વિષય સમજાવે છે. વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ જરૂર મળે છે, પણ દરેક કર્મનું પરિણામ તરત જ સામે આવે એ જરૂરી નથી. ખોટી રીતે ધન કમાનારને તાત્કાલિક આર્થિક સફળતા મળી શકે છે, પણ એનાથી તેનાં કૃત્યો યોગ્ય સાબિત થતાં નથી. તેના અયોગ્ય કર્મોનાં સામાજિક, નૈતિક અને કાનૂની પરિણામો અલગ-અલગ સમયે સામે આવે છે.

તેથી ગુનેગારો અને ઠગ પાસે સંપત્તિ જોઈને એવું ન માનવું જોઈએ કે માતા લક્ષ્મી તેમનાથી પ્રસન્ન છે. સાચી લક્ષ્મી કૃપાનો અર્થ ફક્ત તિજોરી ભરાવી નથી, પણ ધનની સાથે સદ્બુદ્ધિ, સંતોષ, પરિવારમાં સ્નેહ, સમાજમાં આદર અને જીવનમાં સાચી શાંતિ હોવી પણ છે. ધનનું સાચું સૌભાગ્ય ત્યારે જ છે, જ્યારે તેને કમાવવાનો રસ્તો પણ સાચો હોય અને તેનો ઉપયોગ શુભ કાર્યોમાં થતો હોય.

નોંધ: આ લેખમાં આપેલી બાબતો ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે, જેનો વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને તેને અહીં રજૂ કરવામાં આવી છે.