સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના સાવરકુંડલામાં ₹25 લાખની નોટો અને ડોલરથી શણગારાયા લખપતિ ગણેશ

અમરેલીના સાવરકુંડલામાં ₹25 લાખની નોટો અને ડોલરથી શણગારાયા લખપતિ ગણેશ

ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે દેશભરમાં ગણેશજીની ભક્તિ અને અનોખા શણગારનો ઉત્સવ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમા ચર્ચામાં છે.

આ ગણેશજીને 'લખપતિ ગણેશ' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમને ₹25 લાખની ભારતીય ચલણી નોટો અને ડોલરથી શણગારવામાં આવ્યા છે. શણગારમાં ₹10, ₹20, ₹50, ₹100 અને ₹500ની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે ડોલરનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા 15 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા આ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દર વર્ષે દરરોજ અલગ-અલગ થીમ પર શણગાર કરવામાં આવે છે. આ વર્ષે ચલણી નોટો અને ડોલરનો શણગાર ભક્તો માટે મુખ્ય આકર્ષણ બન્યો છે.

સાવરકુંડલા ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા અને વડીયા સહિતના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો લખપતિ ગણેશના દર્શન કરવા આવી રહ્યા છે. આ અનોખો શણગાર ભક્તોમાં ઉત્સાહ ભરી રહ્યો છે અને આધ્યાત્મિક આનંદની સાથે અનોખી સજાવટનો અનુભવ પણ પૂરો પાડી રહ્યો છે.