સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં વિજિલન્સના દરોડા દરમિયાન 11 ચાલુ મોબાઈલ ફોન, 8 સિમ કાર્ડ અને 3 ચાર્જર મળી આવ્યા છે. આ મામલે જેલ વિભાગના ડાયરેક્ટર જનરલ (DG) એ તાત્કાલિક અસરથી 8 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. લાજપોર જેલના ગ્રુપ-2 જેલર કે. જે. ધારગેની અમદાવાદ બદલી કરવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી વધુ પાંચ જેલરોને પણ આંતરિક ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
અમદાવાદ વિજિલન્સ સ્ક્વોડે લાજપોર જેલમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જેલની અંદરથી 11 મોબાઈલ, 10 સિમકાર્ડ અને 3 ચાર્જર મળી આવ્યા હતા. જ્યારે સ્થાનિક જેલ સ્ટાફે માત્ર 3 મોબાઈલ પકડીને સંતોષ માની લીધો હતો. વિજિલન્સ ટીમે 2.5 કલાકની તપાસ બાદ વધુ 11 મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેનાથી સ્થાનિક તંત્રની લાપરવાહી ઉઘાડી પડી હતી.
આ પહેલા જેલ સ્ટાફે સાંજે 5 વાગ્યે કરેલી તપાસની FIR મોડી રાત્રે 1:20 વાગ્યે નોંધાવી હતી, જેના કારણે સ્થાનિક જેલ સ્ટાફની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. થ્રી-લેયર ચેકિંગ, બોડી સ્કેનર અને મેટલ ડિટેક્ટર હોવા છતાં જેલમાં છેલ્લા 5 વર્ષમાં 135 મોબાઈલ અને 28 સિમકાર્ડ ઘૂસી ગયા હોવાની વિગતો સામે આવી છે. જેલના કર્મચારીઓની સીધી મિલીભગત વગર આ પ્રતિબંધિત ઉપકરણો અંદર પહોંચવા અશક્ય હોવાની ગંભીર શંકા વ્યક્ત થાય છે.
આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેદીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા તે અંગે તપાસ ચાલુ છે. લાજપોર જેલ તંત્ર સાથે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચા છે. જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ અગાઉ પણ બની છે, જેનાથી જેલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.