વિશ્વભરમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે. તાજેતરના એક અહેવાલ મુજબ પાકિસ્તાનનું લાહોર શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે, જ્યારે ભારતની રાજધાની દિલ્હી બીજા ક્રમે છે.
સ્વિસ વેબસાઇટ IQAir ના આંકડા અનુસાર, લાહોરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 344 નોંધાયો છે. લાહોરની હવામાં PM 2.5 નું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની માર્ગદર્શિકા કરતાં 57 ગણું વધુ છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
દિલ્હીનો AQI શુક્રવારે સવારે 244 હતો, જે ખૂબ જ હાનિકારક શ્રેણીમાં આવે છે. બપોર સુધીમાં તે ઘટીને 183 થયો હતો. ડોક્ટરોએ નાગરિકોને સ્વાસ્થ્યની રક્ષા માટે માસ્ક પહેરવાની સલાહ આપી છે.
આ યાદીમાં ભારતનું કોલકાતા ત્રીજા સ્થાને (AQI 173) અને મુંબઈ છઠ્ઠા સ્થાને (AQI 162) છે. સેનેગલનું ડકાર ચોથા, મલેશિયાનું કુઆલાલંપુર પાંચમા અને બાંગ્લાદેશની રાજધાની ઢાકા દસમા ક્રમે છે.