સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે અમેરિકાની કંપની મેરેથોન ફ્યુઝને લેબમાં પારામાંથી સોનું બનાવવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, ન્યૂક્લિયર ફ્યુઝન ટેકનિકથી પારાને શુદ્ધ સોનામાં બદલવામાં સફળતા મળી છે અને તેમની પ્રક્રિયા CERN દ્વારા 2025માં નોંધાયેલા રેકોર્ડ કરતાં 10 ગણી ઝડપી છે. પરંતુ આ દાવો કેટલો વાસ્તવિક છે અને લેબમાં બનેલું સોનું અસલી સોના જેટલું શુદ્ધ હોય છે કે નહીં, તે સમજવું જરૂરી છે.
લેબમાં સોનું બનાવવાની તકનીક શું છે?
આ પ્રયોગમાં પારો ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન પ્રક્રિયામાં ધાતુના પરમાણુ કેન્દ્રમાં મૂળભૂત ફેરફાર કરવામાં આવે છે, જેના કારણે એક તત્વ બીજા તત્વમાં ફેરવાઈ જાય છે. વૈજ્ઞાનિકોએ ફ્યુઝન દરમિયાન ઉત્સર્જિત થતા ઉચ્ચ-ઊર્જાવાળા ન્યુટ્રોનના સંપર્કમાં મર્ક્યુરી-198ને રાખ્યો, જેનાથી મર્ક્યુરી-197 બન્યો. આ એક રેડિયોએક્ટિવ આઇસોટોપ છે, જે છેવટે વિઘટિત થઈને સ્થિર ગોલ્ડ-197 (Au-197)માં પરિવર્તિત થાય છે.
આ કોઈ સામાન્ય રાસાયણિક પ્રક્રિયા નથી. પરમાણુના ન્યુક્લિયસને બદલવા માટે જટિલ ન્યૂક્લિયર ટેકનોલોજીની જરૂર પડે છે. અગાઉ યુરોપની પ્રતિષ્ઠિત સંસ્થા CERNના વૈજ્ઞાનિકોએ પણ અતિ અલ્પ માત્રામાં આવું સોનું બનાવ્યું હતું. જોકે મેરેથોન ફ્યુઝને હજુ સુધી ઉત્પાદિત સોનાની ચોક્કસ માત્રા અને સત્તાવાર શુદ્ધતાના આંકડા જાહેર કર્યા નથી.
શું લેબનું સોનું અસલી સોના જેટલું શુદ્ધ હોય છે?
આ સવાલના બે પાસાં છે. પ્રથમ, રાસાયણિક સમાનતા: કુદરતી શુદ્ધ સોનાનો માત્ર એક જ સ્થિર આઇસોટોપ છે—Au-197. જો લેબમાં Au-197 જ બને તો તે રાસાયણિક રીતે ખાણમાંથી નીકળેલા અસલી સોના જેવું જ ગણાય. બીજું, રેડિયોએક્ટિવ ભેળસેળનું જોખમ: મોટાભાગના ન્યૂક્લિયર પ્રયોગોમાં સોનાના અન્ય અસ્થિર આઇસોટોપ્સ (Au-190 થી Au-199) પણ બનતા હોય છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના નિષ્ણાતો મુજબ, રિએક્ટરમાં બનેલું સોનું રેડિયોઆઇસોટોપ્સથી દૂષિત થવાનું જોખમ રહે છે. આવું સોનું રેડિયેશન ફેલાવી શકે છે, જે ઘરેણાં બનાવવા કે રોકાણ માટે સુરક્ષિત નથી. તેથી કડક પરીક્ષણ જ સાબિત કરી શકે કે તે 100 ટકા વાપરવા યોગ્ય છે કે નહીં.
શું આનાથી સોનાના ભાવમાં ઘટાડો થશે?
હાલના તબક્કે આવું માનવું ઉતાવળિયું ગણાશે. આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી માત્ર થોડાક પરમાણુ જેટલું સોનું બનતું હોવાથી તેનો વ્યાવસાયિક ઉપયોગ હજુ ઘણો દૂર છે. જ્યાં સુધી આ ઉત્પાદન મોટા પાયે ન થાય અને તેનો ખર્ચ ખાણમાંથી સોનું કાઢવા કરતાં સસ્તો ન બને, ત્યાં સુધી બજારમાં સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી.