સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છમાં વિદ્યાર્થીઓની 27 કિલોમીટર પદયાત્રા સફળ, STએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી

કચ્છમાં વિદ્યાર્થીઓની 27 કિલોમીટર પદયાત્રા સફળ, STએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી

કચ્છ જિલ્લામાં લાંબા સમયથી અનિયમિત બસ સેવાથી પરેશાન વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી 27 કિલોમીટરની પદયાત્રા કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ભુજ અને નારાયણ સરોવર વચ્ચેની બસ સેવા નિયમિત કરવાની માંગ તેમની હતી. આ પદયાત્રામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા.

શિક્ષણ માટે આવશ્યક એવી આ બસ સેવા નિયમિત કરવા વિદ્યાર્થીઓની લાંબા સમયથી માંગ હતી. વિદ્યાર્થીઓના આ આંદોલન બાદ ST તંત્ર હરકતમાં આવ્યું હતું. ST વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. કોડીયા ફાટક ખાતે ડેપો મેનેજર અને કચ્છ બોર્ડના નિયામક ખુદ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને લેખિત આશ્વાસન આપ્યું હતું કે, તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને હવેથી બસ સેવા નિયમિત રીતે ચાલુ રહેશે. ભુજ ડેપોથી સંચાલિત બસને નખત્રાણા ડેપોમાં ટ્રાન્સફર કરી, નખત્રાણાથી ભુજ-નારાયણ સરોવર વાયા નેત્રા રૂટ પર બસ નિયમિત રીતે ચાલશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સરળ રીતે સમજીએ તો, આ વિદ્યાર્થી આંદોલનની જીત થઈ છે. હવે વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવશે તેવી આશા છે.