કચ્છ જિલ્લાના ખાવડા નજીક RE પાર્ક તરફ જવાના માર્ગ પર ગઈકાલ મોડી રાત્રે ટ્રક અને શ્રમિકો ભરેલી પિકઅપ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 7 શ્રમિકોનાં મોત થયાં છે, જ્યારે અનેક શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, એક કંપનીના આશરે 30થી 32 શ્રમિકોને લઈને જઈ રહેલી પિકઅપ વાનને સામેથી આવતી પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે પિકઅપ વાન રોડ પર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવાયું છે કે ગુજરાતના કચ્છમાં થયેલા આ અકસ્માતથી તેઓ અત્યંત દુઃખી છે. તેમણે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્ત શ્રમિકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
કચ્છના કલેક્ટર અનિલ રણવાસિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો મુજબ 7 લોકોનાં મોત થયાં છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભુજ ખાતેની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત તબીબો જરૂરી સાધનો સાથે તેમની સારવાર કરી રહ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખાવડાથી ભુજ મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. RE પાર્ક વિસ્તારમાં આટલી મોટી જાનહાનિ ધરાવતી આ પહેલી દુર્ઘટના હોવાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દુર્ઘટના કેવી રીતે અને કયા કારણોસર સર્જાઈ તેની સંપૂર્ણ તપાસ માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે. કલેક્ટરના જણાવ્યા મુજબ, પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) અને પોલીસ કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવીને તપાસ સોંપવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.