પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના પીપર ગામે એક દુર્ઘટના સર્જાઈ છે. 35 વર્ષીય શિક્ષક રાહુલભાઈ શરદભાઈ વાઘેલાનું ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ ફાટવાથી ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું છે. તેઓ મૂળ ખેડા જિલ્લાના વતની હતા અને છેલ્લા એક વર્ષથી પીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
ઘટનાની વિગત મુજબ, રાહુલભાઈ તેમના માતા-પિતા અને પત્ની સાથે લખપત તાલુકાના ત્રાંગાવ્રાઢ ખાતે શાળા દ્વારા ફાળવવામાં આવેલા ઓરડામાં રહેતા હતા. સોમવારે મધરાત્રે આશરે સાડા ત્રણ વાગ્યે ચાર્જિંગ પર મૂકેલો મોબાઇલ ફાટ્યો અને આગ લાગી. તેમાં રાહુલભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની બૂમો સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
તાત્કાલિક સારવાર માટે રાહુલભાઈને ભુજની કે.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, મંગળવારે સવારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું. આ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
નારાયણ સરોવર પોલીસ મથકના તપાસનીશ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં મોબાઇલ ચાર્જિંગ પર મૂકેલો હોવાનું અને તેમાં બ્લાસ્ટ થયાનું કારણ સામે આવ્યું છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે બહારના થાંભલામાં પણ ખાડો પડ્યો જોવા મળ્યો છે. મોબાઇલમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ અને આગ લાગવાની પરિસ્થિતિ અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.