સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છના નીલપરમાં સગીરા પર દુષ્કર્મ: આચાર્ય આણંદથી ઝડપાયો, ગૃહમાતા સહિત 3 વિરુદ્ધ ગુનો

કચ્છના નીલપરમાં સગીરા પર દુષ્કર્મ: આચાર્ય આણંદથી ઝડપાયો, ગૃહમાતા સહિત 3 વિરુદ્ધ ગુનો

કચ્છના રાપર તાલુકાના નીલપર ગામની એક નિવાસી શાળામાં સગીર છાત્રા પર દુષ્કર્મ આચરવાના આરોપમાં ફરાર થયેલા આચાર્ય વિપુલ ગોહિલને પોલીસે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના દેવાતલપડ ગામેથી ઝડપી પાડ્યો છે. રાપર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી.

પીડિત સગીરાના પિતાની ફરિયાદ મુજબ, આચાર્ય વિપુલ ગોહિલ સગીરાને ધમકી આપતો હતો કે 'જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીશ.' આ પ્રકારની ધમકીઓ આપીને તે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

પીડિત છાત્રાએ આ અંગે હોસ્ટેલની ગૃહમાતા પૂજા ગોહિલને જાણ કરી હતી, પરંતુ તેણે આ બાબતે કોઈને ન કહેવા માટે સગીરાને ધમકાવી હતી. આ ઉપરાંત સંસ્થાના મંત્રી દિનેશ સંઘવી અને મેનેજર અનિરુદ્ધસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવતાં તેણે પણ પોલીસ ફરિયાદ ન નોંધાવવા માટે પીડિતાને ધમકીઓ આપીને બનાવ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ ત્રણેય સામે પણ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ગત 13 ઓગસ્ટના રોજ આરોપી આચાર્યના ખિસ્સામાંથી અચાનક પ્રેગનન્સી ટેસ્ટ કિટ નીચે પડી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતાં કિટ આચાર્યના ખિસ્સામાંથી જ પડી હોવાનું સ્પષ્ટ થતાં સંસ્થાના સંચાલકોના ધ્યાને સમગ્ર મામલો આવ્યો હતો. જે બાદ 24 ઓગસ્ટના રોજ સંસ્થાએ આચાર્યને સેવામુકત કર્યો હતો. આ ગંભીર મામલો ચર્ચાએ ચઢતાં શિક્ષણ વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી હતી. સ્થાનિક સમાજના લોકોએ પણ પીડિત પરિવારને હૂંફ આપીને ફરિયાદ નોંધાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેના પગલે રાપર પોલીસે તમામ આરોપીઓ સામે BNS અને POCSO એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.