સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છમાં ખનીજ માફિયા સામે કાર્યવાહી: રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત

કચ્છમાં ખનીજ માફિયા સામે કાર્યવાહી: રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત

કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજના ગેરકાયદે વહન સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ, રાપર, લોદરાણી, સુરજબારી, જાટાવાડા અને આધોઈ સહિતના વિસ્તારોમાં તપાસ દરમિયાન 20 ટ્રક, ત્રણ હિટાચી મશીન અને એક લોડર સહિત અંદાજે રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સૂત્રો પ્રમાણે, લોદરાણી વિસ્તારમાં લગભગ બે એકર જમીનમાં ખનન થતું હોવાનું જણાયું હતું. ત્યાંથી બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક ઝડપાયા હતા. રાપર વિસ્તારમાં ગેરકાયદે ખનીજ વહન કરતી 13 ટ્રક પકડી પાડવામાં આવી હતી. જ્યારે જાટાવાડા વિસ્તારમાં આવેલી ખનન સાઇટ પરથી ટ્રેક્ટર કમ લોડર જપ્ત કરવામાં આવ્યું હતું.

સુરજબારી ટોલનાકા નજીક રોયલ્ટી ચૂકવ્યા વગર ખનીજનું વહન કરતી ચાર ટ્રક ઝડપાઈ હતી, જ્યારે તે જ વિસ્તારમાં ઓવરલોડ ખનીજ વહન કરતી અન્ય 15 ટ્રકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

તંત્રના જણાવ્યા અનુસાર, લોદરાણી, રાપર, સુરજબારી, જાટાવાડા અને આધોઈ ગામોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 20 ટ્રક, ત્રણ હિટાચી મશીન અને એક લોડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને બે ખનન સાઇટ પર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પગલાથી ગેરકાયદે ખનન, રોયલ્ટીની ચોરી અને ઓવરલોડ વાહનવ્યવહાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રની આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા છે.