સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છમાં ભારે વરસાદ: માંડવી હોસ્પિટલમાં ઘૂંટણસમું પાણી, અંજારની સોસાયટીઓમાં ઘરોમાં ઘૂસ્યું

કચ્છમાં ભારે વરસાદ: માંડવી હોસ્પિટલમાં ઘૂંટણસમું પાણી, અંજારની સોસાયટીઓમાં ઘરોમાં ઘૂસ્યું

કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. માંડવી અને અંજાર પંથકમાં અનરાધાર વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

માંડવી શહેરમાં સવારે માત્ર બે કલાકમાં પાંચથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. સૌથી વધુ તકલીફ માંડવીની સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને થઈ હતી, કારણ કે હોસ્પિટલના પરિસરમાં ઘૂંટણસમું પાણી ભરાઈ જવાથી દર્દીઓ, વૃદ્ધો અને તેમના સગા-સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

બાવાવાડી પોસ્ટ ઓફિસ રોડ અને નાગનાથ મંદિર વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકા પર 80 ટકા ભ્રષ્ટાચાર અને નબળી પુલિયા કામગીરીનો આરોપ લગાવ્યો છે. તેમણે જવાબદાર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે.

બીજી તરફ અંજાર તાલુકામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. શિયાળ માથક રોડ પર આવેલી સિણાઈની વૃંદાવન વિલા સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયું હતું. ઘરવખરી પલળી જતાં રહીશો ખાધા-પીધા વગર અટવાઈ પડ્યા હતા. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતાં લોકોએ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે.

સરકાર જ્યારે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે માત્ર દેખાવા પૂરતું કાચું-પાકું કામ કરવામાં આવે છે અને ચોમાસામાં તંત્રનો અસલી ચહેરો સામે આવે છે. આવી પરિસ્થિતિમાં તકલીફ સામાન્ય જનતાને જ ભોગવવી પડે છે. અધિકારીઓ માટે તમામ સુવિધાઓ હાજર હોય છે, જ્યારે સામાન્ય પ્રજા આકરો ટેક્સ ભરે છે. ટેક્સ ભરવામાં મોડું થાય તો તેમને હેરાન કરવામાં આવે છે, પણ સુવિધાના નામે માત્ર પોકળ દાવા મળે છે.

હોસ્પિટલ જેવી જગ્યાએ પાણી ભરાયું છે અને ઇમરજન્સી કેસ આવે છે ત્યારે આવી સ્થિતિ સર્જાય તો લોકોનું શું થશે તે વિચારવામાં આવતું નથી. ચૂંટણી આવે ત્યારે જ પ્રજાને રીઝવવા સારા રસ્તા બનાવવામાં આવે છે, પણ એ પણ પાંચ વર્ષમાં માત્ર એક જ વાર. બાકીના સમયમાં સામાન્ય જનતા બિસ્માર રસ્તાઓ પર ધૂળ ખાતી પરેશાન થાય છે.

આજે સ્થિતિ એવી છે કે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જે દર્શાવે છે કે ડ્રેનેજ લાઇન અને નિકાલની વ્યવસ્થા કેટલી હલકી ગુણવત્તાની છે. ત્યારે મોટો પ્રશ્ન એ થાય છે કે સામાન્ય જનતા પરસેવાના ટેક્સના નાણાં સામે સરકાર તેમને સાચી સુવિધાઓ ક્યારે આપશે અને સામાન્ય નાગરિકને જીવનજરૂરી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ક્યારે નસીબ થશે?

ઇનપુટ ક્રેડિટ: નીતિન ગરવા, કચ્છ