સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છ: પ્રેમિકાના પતિની હત્યા કરી ટુકડા કરી તળાવમાં ફેંક્યા, આરોપી ધરપકડ

કચ્છ: પ્રેમિકાના પતિની હત્યા કરી ટુકડા કરી તળાવમાં ફેંક્યા, આરોપી ધરપકડ

કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં 43 વર્ષીય લખ્ખુ હુંબલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આરોપી દિનેશ ઠાકોર નામના શખસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મૃતકની પત્નીનો પ્રેમી હતો. આડા સંબંધની જાણ પતિને થતાં મોતના ડરે તેણે આ હત્યા કરી હતી.

અંજારના વરસામેડી વિસ્તારમાં આવેલી સરદાર આવાસ સોસાયટીમાં રહેતા લખ્ખુ હુંબલ 31 ઓગસ્ટની રાત્રે ગુમ થઈ ગયા હતા. તેના પુત્ર રવિએ પિતાને રાત્રે લગભગ 10 વાગ્યે ગણેશ મંદિર પાછળના ખેતરમાં મૂક્યા હતા. બીજા દિવસે તે ઘરે ન પરત ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમનો મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ પરિવારે 1 સપ્ટેમ્બરે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

5 સપ્ટેમ્બરે સાંજે ગામના તળાવ કિનારે પ્લાસ્ટિકના બે કોથળામાં માનવ શરીરના અંગો મળી આવ્યા હતા. એક કોથળામાં માથાથી કમર સુધીનો ભાગ હતો, જ્યારે બીજામાં બાકીનો ભાગ હતો. પોલીસે મૃતદેહની ઓળખ લખ્ખુ હુંબલ તરીકે કરી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપી દિનેશ ઠાકોરે જણાવ્યું કે, તેણે લખ્ખુને ઘરે બોલાવીને લોખંડના સળિયા વડે માથા અને શરીર પર હુમલો કરીને હત્યા કરી હતી. મૃતદેહને ઉપાડી શકાય તેમ ન હોવાથી તેણે ટુકડા કરીને કોથળામાં ભરી તળાવમાં ફેંકી દીધો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે, દિનેશ ઠાકોર અને મૃતકની પત્ની વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી આડા સંબંધ હતા. આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા પત્ની અલગ રહેવા ગઈ હતી. પરિવારની સમજાવટ બાદ તે પરત આવી હતી. આરોપીએ હત્યા કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.