સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છના ખાવડામાં ભીષણ માર્ગ અકસ્માત: 7 શ્રમિકોના મોત, 20થી વધુ ઘાયલ

કચ્છના ખાવડામાં ભીષણ માર્ગ અકસ્માત: 7 શ્રમિકોના મોત, 20થી વધુ ઘાયલ

કચ્છ જિલ્લાના ખાવડા ખાતે રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નજીક પિકઅપ અને બોલેરો વાહન વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સાત શ્રમિકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જ્યારે 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખાવડા વિસ્તારમાં RE પાર્ક નજીક આ બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇજાગ્રસ્ત શ્રમિકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માતની જાણ થતાં જ પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં તપાસ કરી રહી છે. જોકે, મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ અંગેની વિગતો હજુ સુધી જાહેર થઈ નથી અને તેની રાહ જોવાઈ રહી છે.

આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે અને વધુ માહિતી આવતાં અમે તેને અપડેટ કરીશું.