સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છ-જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, માંડવીમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ

કચ્છ-જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, માંડવીમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છ, જામનગર સહિત છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આજે સવારથી રાજ્યના 15 તાલુકામાં 7 મિમી સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. 16 સપ્ટેમ્બરની સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 770.16 મિમી (30.32 ઇંચ) વરસાદ થયો છે, જે મોસમના સરેરાશ વરસાદના 84.74 ટકા છે. હજુ પણ રાજ્યમાં 15 ટકા વરસાદની ઘટ છે.

પ્રદેશવાર જોતા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.46 ટકા એટલે કે 1734.16 મિમી (68.27 ઇંચ) વરસાદ થયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 697.53 મિમી (27.46 ઇંચ), સૌરાષ્ટ્રમાં 499.13 મિમી (19.65 ઇંચ), ઉત્તર ગુજરાતમાં 462.86 મિમી (18.22 ઇંચ) અને કચ્છમાં 282.20 મિમી (11.11 ઇંચ) વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હાલ દુષ્કાળ જેવી સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 10.54 ટકા, પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા વરસાદ થયો છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ડેમ અને જળાશયોની સ્થિતિ જોતા, સરદાર સરોવર (નર્મદા ડેમ)માં 3,20,653 mcft પાણીનો સંગ્રહ છે, જે કુલ ક્ષમતાના 95.98 ટકા છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 69.19 ટકા (3,85,986 mcft) પાણી ઉપલબ્ધ છે. 25 ડેમ 100 ટકા ભરાયા છે, 38 ડેમ 70થી 100 ટકા, 28 ડેમ 50થી 70 ટકા, 40 ડેમ 25થી 50 ટકા અને 75 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. 40 ડેમ હાઈ એલર્ટ, 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ હેઠળ છે.

વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું છે. અમદાવાદમાં મહત્તમ 31.2°C અને ન્યૂનતમ 24.9°C રહ્યું, જે સામાન્ય કરતાં 2.4°C નીચું છે. ભાવનગર 31.8°C, ભુજ 31.4°C, રાજકોટ 30.7°C અને સુરત 29.0°C નોંધાયું છે. પોરબંદરમાં 23.6°C, દીવમાં 23.4°C અને કેશોદમાં 23.6°C નોંધાતાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ જિલ્લામાં સામાન્ય કરતાં 1 ટકા વધુ વરસાદ નોંધાયો છે.