સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, કૃષિ પાકોને જીવતદાનની આશા

કચ્છમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, કૃષિ પાકોને જીવતદાનની આશા

કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભૂજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ અને અંજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદના કારણે ભૂજ અને ભચાઉના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંજાર અને માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે.

માધાપર, ભુજોડી, કુકમા, ચકાર કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. માંડવીના નાની ખાખર અને બીદરા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ભૂજના કાલીતલાવડી, લાખોંદ અને ચપરેડીના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. માંડવી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

ધોધમાર વરસાદને પગલે માંડવી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફેલાયું છે. દુષ્કાળની સ્થિતિ વચ્ચે આ વરસાદથી કૃષિ પાકોને જીવતદાન મળવાની આશા જાગી છે.