રાજકોટ જિલ્લાના જસદણમાં દિવાળી પછી યોજાયેલા કોળી સમાજના સ્નેહ મિલન બાદ સમાજમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. સમાજના આગેવાન પ્રવિણ કોળીએ આ સંમેલનને રાજકીય લોબિંગનું શક્તિ પ્રદર્શન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે કુંવરજી બાવળિયાએ હવે નિવૃતિ લઈ યુવાનોને આગળ કરવા જોઈએ.
પ્રવિણ કોળીએ જણાવ્યું કે જસદણનું સંમેલન સામાજિક ઓછું અને રાજકીય વધુ હતું. તેમાં કુંવરજી બાવળિયાના સમર્થકોએ 2027ની ચૂંટણીમાં તેમની ટિકિટ નક્કી હોવાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજીને 2027 માટે ઉમેદવાર અને મંત્રી જાહેર કર્યા હતા.
પ્રવિણ કોળીએ આરોપ લગાવ્યો કે કુંવરજી સમાજના નામે ચૂંટણી લડે છે પણ વાયદા પૂરા કરતા નથી. ગાંધીનગરમાં કોળી સમાજનું શિક્ષણ ભવન બનાવવાનો સાત વર્ષ જૂનો વાયદો હજી પૂરો થયો નથી. તેમણે પૂછ્યું કે ગુજરાતભરમાં સમાજ માટે શું નક્કર કામ થયું છે.
તેમણે કહ્યું કે સંમેલનમાં માત્ર કુંવરજીના નજીકના નેતાઓ હાજર હતા અને અન્ય અનેક નેતાઓ ગેરહાજર રહ્યા હતા. સાચું સામાજિક સંમેલન હોય તો સમાજના પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ.
પ્રવિણ કોળીએ ભાજપ યુવાનોને ટિકિટ આપે છે તેવું જણાવીને કુંવરજીએ પણ યુવાનોને આગળ કરવા જોઈએ તેવી સલાહ આપી. તેમણે કહ્યું કે 2027માં કોળી સમાજ તરફથી યુવાનોને ટિકિટ મળશે. તેમણે તળાજાથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઈનલ હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત ચીરાગ ઝાલા, અશોક સોલંકી અને બળવંત મકવાણા જેવા યુવાનોને પણ આગળ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ નિવેદનો પછી કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. જોકે આ અંગે અધિકૃત રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.