સત્ય. સાહસ. સંકલ્પ.

કુનો નેશનલ પાર્કના ચિત્તાને ગોળી મારીને માર્યો, શરીરમાંથી પાંચ છરા મળ્યા

કુનો નેશનલ પાર્કના ચિત્તાને ગોળી મારીને માર્યો, શરીરમાંથી પાંચ છરા મળ્યા

મધ્યપ્રદેશના શ્યોપુર જંગલમાં ઘાયલ હાલતમાં મળી આવેલા 19 મહિનાના નર ચિત્તા KNG22નું સારવાર દરમિયાન મોત થયું છે. ચિત્તો 25 ઓક્ટોબરે શ્યોપુર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના કમ્પાર્ટમેન્ટ નંબર 748માં ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. ઇમરજન્સી સર્જરી દરમિયાન તેના શરીરમાંથી બંદૂકના પાંચ છરા કાઢવામાં આવ્યા હતા. પશુચિકિત્સકોના સતત પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહીં.

પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. સમીતા રાજોરાએ જણાવ્યું કે, ચિત્તાને રેસ્ક્યૂ કરીને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. પ્રારંભિક એક્સ-રેમાં તેના શરીરના અલગ-અલગ ભાગોમાં બાહ્ય વસ્તુઓ દેખાઈ હતી. તેના આધારે સારવાર શરૂ કરવામાં આવી અને નિષ્ણાતોની સલાહ લેવામાં આવી.

નિષ્ણાતોની સલાહ બાદ ચિત્તાની તપાસ અને સારવાર માટે જબલપુર સ્થિત નાનાજી દેશમુખ પશુચિકિત્સા વિજ્ઞાન યુનિવર્સિટી (NDVSU)ના પશુચિકિત્સા સર્જરી અને રેડિયોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યો. વિભાગમાં કરવામાં આવેલા સીટી સ્કેનથી જાણવા મળ્યું કે શરીરની અંદર રહેલા ફાયરઆર્મ્સ પેલેટ્સ (બંદૂકના છરા)ના કારણે તેના આંતરિક અંગો, સ્નાયુઓ અને હાડકાંના માળખા સહિત નર્વસ સિસ્ટમને નુકસાન થયું હતું. ત્યારબાદ ડોક્ટરોએ સર્જરી કરી અને ચિત્તાના શરીરમાંથી બંદૂકના પાંચ છરા કાઢવામાં આવ્યા. જોકે, ગંભીર ઇજાઓ અને પશુચિકિત્સા ટીમના પ્રયાસો છતાં ચિત્તાનો જીવ બચાવી શકાયો નહીં.

ચિત્તાના મોત બાદ રાજ્ય સરકારે મામલાની તપાસ માટે વન અને પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી છે. તપાસમાં એ જાણવું મહત્વપૂર્ણ રહેશે કે ચિત્તાને કોણે અને કયા સંજોગોમાં ગોળી મારી. હાલમાં, વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા આરોપીનું નામ સામે આવ્યું નથી. ઘટનાથી જોડાયેલા અન્ય તથ્યો તપાસ બાદ સ્પષ્ટ થઈ શકશે.

વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, KNG22ના મોત બાદ ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 58 રહી છે. તેમાં 52 ચિત્તા કૂનો નેશનલ પાર્ક, ચાર ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય અને બે વીરાંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ (VDTR)માં છે.