સત્ય. સાહસ. સંકલ્પ.

કુલગામ હુમલાનો બદલો: સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી ઠાર માર્યા, લતીફ ભટ્ટનો સમાવેશ

કુલગામ હુમલાનો બદલો: સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી ઠાર માર્યા, લતીફ ભટ્ટનો સમાવેશ

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. અહીં થયેલી એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે, જેમાં સંગઠનના ટોચના કમાન્ડર લતીફ ભટ્ટનો પણ સમાવેશ થાય છે. લતીફ ભટ્ટ ભારત સામે અનેક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો હોવાનું માનવામાં આવે છે. આ કાર્યવાહીમાં ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સામેલ હતી.

કુલગામમાં તાજેતરમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સીઆરપીએફના ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ (ડીજી) જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે કાશ્મીર પહોંચ્યા હતા. તે સમયે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોહમ્મદ લતીફ ભટ્ટની શોધ ચાલી રહી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લતીફ ભટ્ટ હતો, જે આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

સીઆરપીએફના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (એસડીજી) સંદીપ ખિરવારે સોમવારે જણાવ્યું હતું કે 11 નવેમ્બરે કુલગામમાં થયેલા હુમલા બાદ સમગ્ર જમ્મુ અને કાશ્મીરને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સીઆરપીએફે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં એલર્ટ વધારી દીધું છે, કારણ કે હુમલામાં તેના ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે સુરક્ષા દળોને હુમલાખોરો વિશે અગાઉથી સંકેતો મળી ગયા હતા.

આ દરમિયાન, કુલગામ હુમલાના 24 કલાકની અંદર આતંકવાદીઓએ કિશ્તવાડ જિલ્લામાં બે સ્પેશિયલ પોલીસ અધિકારીઓ, બોબી ચંદ અને યશપાલ કુમારની હત્યા કરી હતી. તેઓ આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન સેનામાં જોડાવા જઈ રહ્યા હતા.