જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે બે અજાણ્યા હુમલાખોરોએ બાઇક પર આવીને CRPFના અખરાન કેમ્પ નજીક નાકા ડ્યુટી પર તૈનાત જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બપોરે લગભગ 2:15 વાગ્યાની છે.
ગોળીબારમાં CRPFના બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે અનંતનાગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હુમલા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સુરક્ષાદળોએ ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. વિસ્તારમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.
કુલગામ દક્ષિણ કાશ્મીરનો સંવેદનશીલ વિસ્તાર ગણાય છે, જ્યાં અગાઉ પણ આતંકી ગતિવિધિઓ થતી રહી છે. કુલગામ શ્રીનગરથી લગભગ 70-75 કિલોમીટર દૂર છે અને તે અનંતનાગ તથા શોપિયાં સાથે એવા વિસ્તારનો ભાગ છે જ્યાંથી સુરક્ષા દળો માટે સતત સતર્કતા રાખવી પડે છે.
આ ઘટનાના સંદર્ભમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.