ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતીય ટીમના અનુભવી સ્પિનરો કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી સતત પ્લેઇંગ ઇલેવનની બહાર રહ્યા છે. ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાયેલી ચોથી T20માં ભારતને 87 રનની હાર મળ્યા બાદ આ નિર્ણય પર ક્રિકેટ ચાહકોએ સવાલ ઉઠાવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ બંનેને તક ન મળવા પાછળનું કારણ સમજાવ્યું છે.
ઓકલેન્ડની મેચમાં ભારતીય બોલરોએ 259 રન આપ્યા હતા. આ મેચમાં કુલદીપ અને વરુણ જેવા અનુભવી સ્પિનરોને બહાર રાખવામાં આવ્યા હતા, જેને લઈને ટીમ મેનેજમેન્ટની પસંદગી પર પ્રશ્નો ઊઠ્યા હતા.
બહુતુલેએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે બંને ખેલાડીઓ ટીમની યોજનાનો ભાગ છે અને રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં ટીમ કોમ્બિનેશનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે કુલદીપ અને વરુણ ટીમની પસંદગી પ્રક્રિયા સારી રીતે સમજે છે, નેટ્સમાં સતત મહેનત કરી રહ્યા છે અને તક મળે ત્યારે રમવા માટે તૈયાર રહેશે.
ભારતે શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તેથી હેમિલ્ટનમાં રમાનારી અંતિમ મેચમાં ટીમ મેનેજમેન્ટ કેટલાક પ્રયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં બંને સ્પિનરોને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવાની શક્યતા છે.
સ્પિન બોલિંગની ટીમની રણનીતિ અંગે કોચે કહ્યું કે બોલરોને આક્રમક બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જોકે મેચની પરિસ્થિતિ પ્રમાણે રક્ષણાત્મક બોલિંગ પણ આક્રમક વિકલ્પ બની શકે છે. બોલરોએ પરિસ્થિતિ પ્રમાણે પોતાની યોજનામાં ફેરફાર કરવો જરૂરી છે.
તેમણે અક્ષર પટેલની પ્રશંસા કરતાં કહ્યું કે અક્ષર પાવરપ્લેમાં બોલિંગ કરવાની સાથે ઇનિંગ્સના અન્ય તબક્કાઓમાં પણ સારી કામગીરી કરી શકે છે. કુલદીપ અને વરુણ પણ જરૂરિયાત મુજબ કોઈપણ તબક્કે બોલિંગ કરવા સક્ષમ છે.
અભિષેક શર્માની બોલિંગ પ્રેક્ટિસ અંગે કોચે જણાવ્યું કે તેણે નેટ્સમાં ડાબા હાથની સ્પિન બોલિંગ પર કામ કર્યું છે. જોકે મેચમાં તેનો ઉપયોગ કરવો કે નહીં, તે નિર્ણય કેપ્ટન અને મેદાનની પરિસ્થિતિ પર આધાર રાખે છે.
ઓકલેન્ડના ઇડન પાર્કમાં ભારતના પ્રદર્શન અંગે કોચે કહ્યું કે મેદાનની ટૂંકી બાઉન્ડ્રી અને અસામાન્ય પરિમાણો બોલરો માટે પડકારરૂપ હતાં. ભારતીય ટીમ પોતાની યોજનાઓ જાણતી હતી, પરંતુ ન્યુઝીલેન્ડના આક્રમક બેટિંગ સામે તેનો યોગ્ય અમલ કરી શકી નહોતી.