સત્ય. સાહસ. સંકલ્પ.

કુબેર ભંડારી મહાદેવ: જ્યાં કુબેરજીને મળ્યું 'દેવોના ખજાનચી'નું પદ

કુબેર ભંડારી મહાદેવ: જ્યાં કુબેરજીને મળ્યું 'દેવોના ખજાનચી'નું પદ

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે આવેલું કુબેર ભંડારી મહાદેવ મંદિર પૌરાણિક ગાથા સાથે જોડાયેલું છે. મંદિરનું નામ કુબેર ભંડારી હોય, પરંતુ અહીં બિરાજમાન શિવલિંગ 'કુબેરેશ્વર મહાદેવ' તરીકે પૂજાય છે. આ મંદિરની ધાર્મિક માન્યતા અને ઇતિહાસ રસપ્રદ છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ મુજબ, રાવણે લંકાની ગાદી મેળવવા માટે મહાદેવની આરાધના કરી હતી. શિવજી પ્રસન્ન થઈને રાવણને લંકાની ગાદી આપી અને તેને લંકેશ બનાવ્યો. પરંતુ આ ગાદીના હકદાર રાવણના મોટાભાઈ કુબેર હતા. ગાદી ન મળતાં નારાજ થયેલા કુબેરજી કરનાળી ગામે આવ્યા અને નર્મદા કાંઠે શિવજીની તપસ્યા કરી.

જ્યારે મહાદેવ કુબેરજી પર પ્રસન્ન થયા, ત્યારે કુબેરજીએ ફરિયાદ કરી કે લંકાની ગાદી મને મળવાપાત્ર હતી, છતાં તે રાવણને આપવામાં આવી. ત્યારે શિવજીએ કહ્યું, 'રાવણ પણ મારો ભક્ત છે અને તું પણ મારો ભક્ત છે. લંકાની ગાદી ભલે ન મળી હોય, પણ હું તને તેનાથી પણ મોટું પદ આપીશ.' ત્યારબાદ ભોળાનાથે કુબેરને દેવોના ખજાનચી બનાવ્યા અને તેઓ કુબેર ભંડારી તરીકે ઓળખાયા. કુબેરજીએ શિવજીને રીઝવવા માટે નર્મદા કાંઠે શિવલિંગની સ્થાપના કરી, તેથી તેમને 'કુબેરેશ્વર મહાદેવ' કહેવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર, આજે પણ લગ્નપ્રસંગે રસોડું ચાલુ કરતા પહેલાં કુબેરજીનો દીવો પ્રગટાવવાની પરંપરા છે. માન્યતા છે કે, તેનાથી ભંડારો ખૂટતો નથી. દેવોના ખજાનચી કુબેરના નામે આ મંદિરમાં કુબેરેશ્વર મહાદેવજીની પાસે શાલિગ્રામ રૂપે સ્વયં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. મા જગદંબા પણ આ મંદિરમાં બિરાજમાન છે.

આ મંદિરે અમાસ ભરવાની અનોખી માન્યતા છે. એવું માનવામાં આવે છે કે, અમાસના દિવસે નર્મદામાં સ્નાન કરીને કુબેર ભંડારી દાદાના દર્શન કરનાર વ્યક્તિનું જીવન સુખદાયી અને ફળદાયી રહે છે. દાદા અહીં આવતા તમામ શિવભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં આ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. મંદિરનું સંચાલન કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જ્યાં ભક્તો માટે વિનામૂલ્યે પાર્કિંગ અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.