અમદાવાદ: બોલિવૂડ અભિનેત્રી ક્રિતિ સેનન તાજેતરમાં તેના બોલ્ડ આઉટફિટ અને રક્ષાબંધનની જાહેરાતને કારણે ચર્ચામાં રહી છે. આ જાહેરાતમાં તેણે ડીપ નેકલાઈનના ડ્રેસમાં ભાઈને રાખડી બાંધતા દેખાડવામાં આવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર વિરોધ થયો હતો. ત્યારબાદ આ જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી હતી.
ક્રિતિ સેનનનો જન્મ 27 જુલાઈ, 1990ના રોજ નવી દિલ્હીમાં પંજાબી હિંદુ પરિવારમાં થયો હતો. તેના પિતા રાહુલ સેનન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, જ્યારે માતા ગીતા સેનન દિલ્હી યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર છે. તેની નાની બહેન નૂપુર છે. પરિવારમાં ભણતર પર વધુ ભાર મૂકવામાં આવતો હતો.
ક્રિતિએ દિલ્હી પબ્લિક સ્કૂલ અને આર.કે. પૂરમ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે નોઈડાની જેપી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી. નાનપણથી જ તે ભણવામાં હોશિયાર હતી પણ સ્વભાવે શરમાળ હતી, એટલે સ્ટેજ પર જવામાં પણ ડરતી હતી. તેણે ક્યારેય એક્ટિંગ કે મોડેલિંગમાં જવાનું વિચાર્યું નહોતું.
કોલેજમાં ભણતી વખતે એક દિવસ તેના મિત્રએ કહ્યું કે તે મોડેલિંગ કરી શકે છે. આ વાત તેના મનમાં ઘર કરી ગઈ. પરંતુ તેની પાસે પ્રોફેશનલ પોર્ટફોલિયો બનાવવા માટે પૈસા નહોતા, એટલે તેણે પોતાની નાની બહેન નૂપુર પાસે ફોનથી ફોટા ક્લિક કરાવ્યા. તેણે આ ફોટા 'ફ્રેશ ફેસ' કોન્ટેસ્ટમાં મોકલ્યા, જેમાં તે જીતી ગઈ. આ જીત બાદ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીએ તેનું પહેલું ફોટોશૂટ કર્યું. આ ફોટોશૂટના આધારે તેને પહેલો મોડેલિંગ પ્રોજેક્ટ મળ્યો અને ત્યારબાદ ટીવી જાહેરાતો પણ મળી.
ક્રિતિના કરિયરની આ શરૂઆત સરળ નહોતી. ફોટોશૂટ અંગેનો તેનો અનુભવ સારો નહોતો, પરંતુ ધીમે-ધીમે તેણે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું. આજે તે બોલિવૂડની મોટી અભિનેત્રી છે, પરંતુ તેની કરિયરમાં વિવાદ પણ ઓછા નથી. હાલમાં તેની પર્સનલ લાઇફ અને લગ્નની અટકળો પણ ચર્ચાનો વિષય છે.