સત્ય. સાહસ. સંકલ્પ.

શ્રીકૃષ્ણના 16,108 લગ્ન: પૌરાણિક કથા કે સામાજિક સંદેશ?

શ્રીકૃષ્ણના 16,108 લગ્ન: પૌરાણિક કથા કે સામાજિક સંદેશ?

જન્માષ્ટમીના પવિત્ર અવસરે ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલી અનેક કથાઓ ચર્ચામાં આવે છે. તેમાંની એક કથા છે તેમના 16,108 લગ્નોની. ધાર્મિક ગ્રંથો અને લોકમાન્યતા મુજબ, શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ હતી, જેમાં આઠ મુખ્ય રાણીઓ (અષ્ટભાર્યા) સામેલ હતી.

પૌરાણિક કથા પ્રમાણે, શ્રીકૃષ્ણે અસુર રાજા નરકાસુરના કેદમાંથી 16,100 મહિલાઓને મુક્ત કરાવી હતી. આ મહિલાઓએ સમાજમાં સન્માનજનક સ્થાન મેળવવા માટે શ્રીકૃષ્ણને પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રીકૃષ્ણે તેમને પત્ની તરીકે સ્વીકારી, તેમને સામાજિક સન્માન આપ્યું. આ કથાને સામાજિક ચેતના સાથે જોડીને જોવામાં આવે છે, જે સ્ત્રી સન્માન અને રક્ષણનો પ્રતીક છે.

તેમની આઠ મુખ્ય રાણીઓમાં રુકમિણી, સત્યભામા, જાંબવતી, કાલિન્દી, મિત્રવિંદા, નાગ્નજિતી (સત્યભદ્રા), ભદ્રા અને લક્ષ્મણાનો સમાવેશ થાય છે. દરેક સાથેના લગ્ન પાછળ અલગ કથા છે. રુકમિણી સાથેના લગ્ન પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે, જ્યારે સત્યભામા સાથેના લગ્ન સ્યમંતક મણિની કથા સાથે જોડાયેલા છે. જાંબવતી સાથેના લગ્ન જાંબવાનના યુદ્ધ અને જ્ઞાન પછી થયા હોવાનું વર્ણન છે.

આ કથાઓ માત્ર ધાર્મિક શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ સામાજિક સંદેશો પણ આપે છે. શ્રીકૃષ્ણે અપમાનિત મહિલાઓને સન્માન આપીને સમાજમાં સ્ત્રીના દર્જાને ઊંચો કર્યો હતો. જન્માષ્ટમીના પાવન અવસરે આ કથાનું રહસ્ય જાણવું પ્રેરણાદાયી છે.