સત્ય. સાહસ. સંકલ્પ.

જન્માષ્ટમી 2026: દ્વારકા, ડાકોર, તુલસીશ્યામ અને અમદાવાદમાં ભક્તિભાવ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમી 2026: દ્વારકા, ડાકોર, તુલસીશ્યામ અને અમદાવાદમાં ભક્તિભાવ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમીના પાવન પર્વે ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો હતો. દ્વારકા, ડાકોર, તુલસીશ્યામ અને અમદાવાદ સહિતના તીર્થધામોમાં મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે શંખનાદ અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.

યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયજીના જન્મોત્સવનો પ્રારંભ વહેલી સવારે ૬:૪૫ કલાકે મંગળા આરતીથી થયો. અમદાવાદ, વડોદરા, સુરત અને આણંદથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર સમિતિ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મંદિરને આધુનિક રોશની અને પરંપરાગત દીપમાળાથી સજાવવામાં આવ્યું હતું. મધ્યરાત્રે ૧૨ વાગ્યે પ્રભુના કપાળે તિલક કરીને કાનુડાનો જન્મોત્સવ ઉજવાયો, ત્યારે 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું.

જગતમંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો ૫૨૫૩મો જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાયો. સવારે મંગળા આરતી અને ખુલ્લા પડદે દિવ્ય સ્નાન-અભિષેક દર્શન યોજાયા. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાના 'લાડુ ગોપાલ' સાથે જન્મોત્સવમાં જોડાયા. રાત્રે બાર વાગ્યે કાળિયા ઠાકરના જન્મના વધામણા કરાયા.

અમરેલી અને ગીર સોમનાથની સરહદે આવેલા તુલસીશ્યામ તીર્થધામમાં દિવસભર મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ થઈ. રાત્રે ૧૨ વાગ્યે સોનાના મુગટ અને કુંડળથી સુશોભિત ભગવાન શ્યામના દિવ્ય દર્શન કરીને ભક્તો પાવન થયા.

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ. ભક્તો મંગળા આરતીથી માંડીને મધ્યરાત્રિએ ભગવાનના જન્મ સુધીના દિવ્ય ક્ષણોના સાક્ષી બન્યા. આ પ્રસંગે આરતી ઉતારીને ૫૬ ભોગનો પ્રસાદ લેવાયો. શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવ નિમિત્તે ઈસ્કોન મંદિર ખાતે ખાસ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું. નાના બાળકો કાનુડાનું રૂપ ધારણ કરીને આવતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.