ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો. મધરાતના સમયે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યના શુભ પ્રસંગે ઠેર ઠેર મંદિરોમાં જયઘોષ ગૂંજ્યો હતો અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શામળાજીમાં આ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. ભજન, કીર્તન, આરતી અને જયઘોષના માહોલ વચ્ચે સમગ્ર શામળાજી ધામ કૃષ્ણભક્તિમાં રંગાઈ ગયું હતું. મધરાતે ૧૨ વાગ્યે કાન્હાના જન્મની પાવન ક્ષણે ભક્તોમાં આનંદ છવાઈ ગયો હતો.
ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી.