રાજસ્થાનના કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર શનિવારે સવારે 6 વાગ્યે એક મિની બસ (ટેમ્પો ટ્રાવેલર) પુલ પરથી 15 ફૂટ નીચે નાળામાં ખાબકી જતાં 8 લોકોનાં મોત થયાં છે અને 17થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. બસ ભોપાલથી ખાટુ શ્યામજી તરફ જઈ રહી હતી અને તેમાં 25થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માત સિમલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરાડિયા ટોલ પ્લાઝાથી થોડે દૂર થયો.
સિમલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નંદ સિંહે જણાવ્યું કે બસ પુલ પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લાના રહેવાસી લોકોનાં મોત થયાં છે. કોટાના ન્યૂ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. નીલેશ જૈને જણાવ્યું કે મૃતકોની ઓળખ અરુણા, વૈષ્ણવી, ત્રિશા, કૃષ્ણા, અનિતા, ઓમ સૂર્યવંશી અને રાજુ તરીકે થઈ છે. બસ ડ્રાઇવરનું પણ મોત થયું છે. સાત લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયાં હતાં, જ્યારે એક ઘાયલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.
અંધારાને કારણે બચાવ કાર્યમાં થોડો વિલંબ થયો. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે ઘણા મૃતદેહો સીટોની વચ્ચે ફસાઈ ગયા હતા, જેમને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને પણ કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા. મેડિકલ કોલેજના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર મોટાભાગના ઘાયલોને માથામાં ગંભીર ઈજા થઈ છે અને હાથ-પગમાં ફ્રેક્ચર છે. સીટ વચ્ચે ફસાઈ જવાને કારણે ઈજાઓ વધુ ગંભીર બની છે. બસમાં આગળની તરફ બેઠેલા મુસાફરોને સૌથી વધુ ઈજા થઈ છે કારણ કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
પોલીસને આશંકા છે કે ડ્રાઇવરને ઝોકું આવી જવાને કારણે આ અકસ્માત થયો. અકસ્માતની જાણ થતાં જ સિમલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી, જેથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી શકાય. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.