સુરત જિલ્લાના કોસંબા ગામમાં 30 સપ્ટેમ્બરની સવારે પોલીસની પાંચ ગાડીઓ એક ઘર પાસે આવીને ઊભી રહી. ત્રિકમ-પાવડા સાથેના પોલીસકર્મીઓ ઘરમાં ઘૂસી ગયા. આ જોઈને આસપાસના લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે આ ઘરમાં કંઈક અજુગતું થયું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે 2022માં કોરોનાકાળ દરમિયાન કોસંબામાં થયેલી 70 વર્ષીય વૃદ્ધા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા સહિત અન્ય બે મહિલાઓની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ત્રણેય મૃતક મહિલાઓ એકબીજાના નજીકના સગા સંબંધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેયની હત્યા વૃદ્ધાની દીકરીની દીકરી ઉર્મિલા અને તેના પતિ માધવદાસે મળીને કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાંતાબેન કોસંબાના વડ ફળિયામાં ઘરમાં એકલા રહેતા હતા. તેમના જમાઈ માધવદાસ અને દીકરીની દીકરી ઉર્મિલાએ ઓશિકાથી મોઢું દબાવીને તેમની હત્યા કરી હતી. બાદમાં મૃતદેહને ઘર પાછળ આવેલા વાડામાં ખાડો ખોદીને દાટી દીધો હતો. હત્યા બાદ બંને અમદાવાદના ધોળકા તાલુકાના વાલથેરા ગામમાં રહેવા ગયા હતા. જોકે, છેલ્લા નવ મહિનાથી બંને વચ્ચે અણબનાવ થતાં તેઓ અલગ રહેતા હતા.
આ દરમિયાન માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા અને સાળા અફઝલ ઉર્ફે ફોટો દીવાનને ફસાવવા માટે અમદાવાદ પોલીસ સમક્ષ અરજી કરી હતી. તેમાં તેણે આરોપ મૂક્યો હતો કે બહેન-ભાઈએ મળીને વૃદ્ધાની હત્યા કરી છે. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અરજી અંગે ઉલટ તપાસ હાથ ધરતાં સમગ્ર મામલો શંકાસ્પદ લાગ્યો હતો. તપાસ આગળ વધારતાં માધવદાસે પત્ની ઉર્મિલા સાથે મળીને શાંતાબેનની હત્યા કર્યાનો ગુનો કબૂલ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે આરોપી દંપત્તિને સાથે રાખીને સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ત્રિકમ-પાવડાથી સિમેન્ટનું લેયર તોડીને ચાર-પાંચ ફૂટ ઊંડે સુધી ખોદાણ કર્યું હતું અને વૃદ્ધાના અવશેષો બહાર કાઢ્યા હતા. એક પોટલું ભરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના FSL અને આગળની તપાસ માટે અવશેષો લઈ જવાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી માધવદાસ અને ઉર્મિલાએ ખૂબ કાળજીપૂર્વક આસપાસના લોકો કે સગાસંબંધીને જાણ ન થાય એ રીતે મૃતદેહનો નિકાલ કર્યો હતો અને પુરાવાનો નાશ કર્યો હતો. આ દંપત્તિએ કોરોનાકાળમાં મૃતકોના મૃતદેહ ઘરે ન મોકલાતા હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો અને બધાને જણાવ્યું હતું કે ડોશીમાને દવાખાનેથી સીધા સ્મશાને લઈ જઈ અંતિમ વિધિ કરી હતી.
પરંતુ તેમણે શાંતાબેનના ઘરમાં જ મૃતદેહને એક ડ્રમમાં નાખીને ત્રણ થેલી સિમેન્ટ સાથે પાણી મિક્સ કરી ડ્રમ ભરી દીધું હતું. ત્રણ મહિના બાદ મોકો મળતાં જ મૃતદેહ સાથેના ડ્રમને ઘરના વાડામાં ખાડો ખોદીને દાટી દીધું હતું અને તેના પર સિમેન્ટથી જાડું લેયર ભરી દીધું હતું.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એ પણ ખૂલ્યું છે કે માધવદાસ અને ઉર્મિલાએ 2021માં ઉર્મિલાની બહેન અને માધવદાસની માતાની પણ હત્યા કરી હતી. ઉર્મિલાની બહેન ભગવતીબેન વસાવા ટીબીની બીમારીથી અને માધવદાસની માતા મંજુલાબેન ભક્તિરામ સાધુ લકવાની બીમારીથી પીડાતી હતી. આ બંનેની સેવા-સારવાર ન કરવી પડે એ માટે માધવદાસ અને ઉર્મિલાએ મળીને બંનેના મોઢા પર ઓશીકું દબાવીને શ્વાસ રૂંધી હત્યા કરી નાખી હતી. બંનેએ સાથે મળીને બંનેની અંતિમવિધિ પણ કરી નાખી હતી.
શાંતાબેનની હત્યા થયાનું જાણીને તેમના પાડોશીઓ પણ આઘાતમાં આવી ગયા છે.