સત્ય. સાહસ. સંકલ્પ.

કોલકાતા દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ: 19ના મોત, 25 ઘાયલ; આયોજકો સહિત 12ની અટકાયત

કોલકાતા દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ: 19ના મોત, 25 ઘાયલ; આયોજકો સહિત 12ની અટકાયત

કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે રાત્રે મચેલી નાસભાગમાં 19 લોકોનાં મોત થયાં છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. પોલીસે આયોજકો સહિત 12 લોકોને કસ્ટડીમાં લીધા છે.

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાંથી 17 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયાં હતાં. ઘાયલોમાંથી 24ની હાલત સ્થિર છે, જ્યારે એકની હાલત ગંભીર છે.

ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાયલોને મળવા કોલકાતા મેડિકલ કોલેજ જશે. તેઓ દુર્ગા પૂજામાં સામેલ થવા શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. નાસભાગ બાદ તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.

ઘટનાસ્થળે લાકડાના મંડપનો એક ભાગ તૂટી પડ્યો છે. જમીન પર લોકોના જૂતાં-ચપ્પલ, પર્સ અને થેલીઓ વેરવિખેર પડેલા જોવા મળ્યા હતા. નાસભાગ બાદ પંડાલની અંદર વીજળી બંધ કરી દેવામાં આવી હતી.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ આરોપ લગાવ્યો છે કે જે દુર્ગા પૂજા કમિટીમાં નાસભાગ થઈ તેની સાથે દેવદીપ અધિકારી જોડાયેલા છે. પાર્ટીએ દાવો કર્યો કે દેવદીપ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ભત્રીજા છે. TMC મુજબ, ભાજપના જોરાસાંકોના ધારાસભ્ય વિજય ઓઝા પૂજા કમિટીના અધ્યક્ષ છે, જ્યારે ભાજપના ઉત્તર કોલકાતા જિલ્લા અધ્યક્ષ તમોઘ્ન ઘોષ પણ કમિટી સાથે જોડાયેલા છે.

પશ્ચિમ બંગાળ સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 25 લાખ રૂપિયા વળતર અને એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તપાસ શરૂ કરી દીધી છે.