સત્ય. સાહસ. સંકલ્પ.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલ ધરાશાયી, 17ના મોત, 40 ઘાયલ

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલ ધરાશાયી, 17ના મોત, 40 ઘાયલ

કોલકાતામાં દુર્ગા પૂજાના મહાસપ્તમીની સાંજે મોટી દુર્ઘટના બની છે. ઉત્તર કોલકાતાના ગિરીશ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પ્રખ્યાત ચોરબાગાન સાર્વજનિક (શારદા પાર્ક) પૂજા પંડાલનો એક હિસ્સો ભારે વરસાદ અને ભીડના દબાણને કારણે અચાનક તૂટી પડ્યો હતો.

આ ઘટનામાં અંદાજે 17 લોકોના મોત થયા છે, જ્યારે 40 જેટલા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પંડાલ તૂટતાં જ ત્યાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (DMG)ની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની મદદથી અસરગ્રસ્તોને પંડાલમાંથી બહાર કાઢીને કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (MCH) ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પંડાલના એક્ઝિટ ગેટ પર ભારે ભીડ અને અંધારાના કારણે મુશ્કેલી વધી ગઈ હતી. અફરાતફરી વચ્ચે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. કેટલાક લોકોને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના મોટરસાઇકલ પર બેસાડીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તકેદારીના ભાગરૂપે આ પૂજા પંડાલને શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 'તાલા પ્રત્યય' પંડાલને પણ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે 'ચેતલા અગ્રણી' પંડાલ એક કલાક માટે બંધ રાખવામાં આવ્યો હતો.

દુર્ઘટનાની ગંભીરતા જોતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ કલકત્તા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછી હતી અને તબીબી સારવારની સમીક્ષા કરી હતી.

રાજ્ય સરકારે નાગરિકોની મદદ અને સાચી માહિતી મેળવવા માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 18003455678 જાહેર કર્યો છે, જેથી અસરગ્રસ્ત પરિવારો સરળતાથી વિગતો મેળવી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. PMO દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યું છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રવિએ પણ મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે તેઓ આ ઘટનાના સમાચારથી અત્યંત દુઃખી અને સ્તબ્ધ છે, અને તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના વ્યક્ત કરી છે.