કોલકાતાનો પાર્ક સ્ટ્રીટ વિસ્તાર તેની નાઇટલાઇફ માટે જાણીતો છે. અહીં ક્લાસિક રેસ્ટોરન્ટ, પ્રીમિયમ પબ અને કેફે છે, રસ્તાઓ ઝગમગે છે અને પોપ-જેઝ મ્યુઝિકનો અવાજ ચારેતરફ ગુંજે છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી અહીં ધામધૂમથી થાય છે. આ વખતે પાર્ક સ્ટ્રીટમાં દુર્ગા પૂજા પણ યોજાઈ રહી છે.
પાર્ક સ્ટ્રીટ નજીક આવેલા એલન પાર્કમાં ‘તાંડવ’ થીમ પર પંડાલ બનાવવામાં આવી રહ્યો છે. આ એકમાત્ર બદલાવ નથી. આ વખતે મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો બંધ રહેશે, ડીજે વગાડવા પર પ્રતિબંધ છે અને સુરક્ષાની જવાબદારી 20 હજાર સિવિક વોલન્ટિયર્સ સંભાળશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં 10 ઓક્ટોબરે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો છે, જેમાં વડાપ્રધાન મોદી દુર્ગા પૂજાનો શુભારંભ કરાવશે.
દુર્ગા પૂજા બંગાળનો સૌથી મોટો તહેવાર છે, તો પછી ડીજે પર પ્રતિબંધ કેમ? પાર્ક સ્ટ્રીટના એલન પાર્કમાં જ્યાં પંડાલ બની રહ્યો છે, તેની એક તરફ બજાર છે અને બીજી તરફ બિશપ હાઉસ આવેલું છે. આસપાસ એંગ્લો ઇન્ડિયન, યહૂદી અને મુસ્લિમ પરિવારો રહે છે. અહીં દુર્ગા માતાની પ્રતિમા તૈયાર થઈ ચૂકી છે.
પંડાલમાં મુલાકાત દરમિયાન ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિની કોનિકા ગોસ્વામી કહે છે, ‘અહીં ક્રિસમસ તો ઉજવાય જ છે, એટલે દુર્ગા પૂજા કરવામાં પણ મને કશું ખોટું લાગતું નથી.’ જોકે, કોનિકા દુર્ગા પૂજામાં ડીજે બંધ કરવાના સરકારના નિર્ણયથી નારાજ છે. તે કહે છે, ‘આ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. તેની ઉજવણી ઓછી કરવી યોગ્ય નથી. ગણેશ પૂજા અને વિશ્વકર્મા પૂજામાં ડીજે વાગી શકતું હોય, તો દુર્ગા પૂજામાં શું વાંધો છે?’
એલન પાર્કમાં ‘કોલકાતા સનાતની સંઘ કમિટી’ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કમિટીના જનરલ સેક્રેટરી નવીન મિશ્રા કહે છે, ‘પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં 95% હિન્દુઓ છે, છતાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવતી નહોતી. 2016 અને 2017માં અમે પરમિશન માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ પરવાનગી ન મળી.’
‘પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનર્જીની સરકાર રહી, પરંતુ પૂજા ન થઈ શકી. મમતા સરકારમાં અમને પરમિશન ન મળી, ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે અમારી સરકાર આવ્યા પછી અહીં દુર્ગા પૂજા જરૂર થશે. અહીં પૂજા કરાવવામાં 370 વર્ષ લાગી ગયા.’
પૂજાની તૈયારીઓ અંગે નવીન જણાવે છે, ‘મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ચોથના દિવસે પંડાલનું ઉદ્ઘાટન કરી શકે છે. બાકી જે રીતે વિધિ-વિધાનથી પૂજા થાય છે, એ જ પરંપરા મુજબ થશે.’
ગયા મહિને હાવડા પહોંચેલા કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું— ‘હું બંગાળના લોકોને અપીલ કરું છું કે દુર્ગા પૂજા દરમિયાન નોનવેજ ન ખાવ.’ આ નિવેદન બાદ બંગાળમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સરકારી પ્રતિબંધ તો નથી મુકાયો, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે આયોજકોને પૂજા પંડાલ પાસે નોનવેજ ન રાખવાની સૂચના આપી છે. બીજી તરફ સરકારે મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
પાર્ક સ્ટ્રીટમાં નોકરી કરતી ડોલ ચક્રવર્તી અને સોનલ ગુપ્તા મળ્યાં. એક બંગાળથી છે અને બીજી બિહારથી. દુર્ગા પૂજા બંને માટે ખાસ છે. દારૂ પર પ્રતિબંધના નિર્ણયથી નારાજ થઈને તેઓ કહે છે, ‘જેને પીવું છે, તે પીશે જ. લોકો પહેલાંથી જ સ્ટોક કરીને રાખી લેશે. બીજું પાસું એ પણ છે કે આનાથી દારૂનું કાળોબજાર વધશે.’
‘નોનવેજને લઈને પણ જાતજાતની વાતો થઈ રહી છે. બંગાળીઓ માટે દુર્ગા પૂજાનો મતલબ જ નોનવેજ છે. આ દિવસોમાં ઘરમાં અને બહાર પણ અવનવી નોનવેજ વાનગીઓ બને અને વેચાય છે. ખુશી માત્ર એ વાતની છે કે આ વખતે કાર્નિવલ નથી થઈ રહ્યો. તેમાં અલગ-અલગ સંસ્કૃતિઓની ઝલક તો જોવા મળતી હતી, પરંતુ બે-ત્રણ દિવસ સુધી રસ્તાઓ બંધ થઈ જતા હતા, જેના કારણે કામકાજ માટે બહાર નીકળતા લોકોની મુશ્કેલીઓ વધી જતી હતી.’
આ વખતે રેડ રોડ કાર્નિવલ નહીં યોજાય. જેમાં કોલકાતાના રેડ રોડ પર ઝાંખીઓ કાઢવામાં આવતી હતી. મમતા સરકારે 2016માં તેની શરૂઆત કરી હતી.
સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા અમિતાભ મજુમદાર માટે આ વખતની દુર્ગા પૂજા સાવ અલગ છે. તેઓ જણાવે છે, ‘ઘણા લોકોને સરકારના નિર્ણયો પસંદ નથી આવ્યા, પરંતુ તેઓ બોલવા માંગતા નથી. દુર્ગા પૂજા એટલે જ મટન અને ઇલિશ માછ (હિલસા માછલી). તેના વગર પૂજાનો આનંદ અધૂરો છે. બાકી જેને વેજ ખાવું હોય, એ ભલે ખાય.’
અમિતાભ કાર્નિવલ બંધ થવાથી પણ નારાજ છે. તેઓ કહે છે, ‘બંગાળનો કાર્નિવલ વિશ્વભરમાં જાણીતો છે. તે આપણી સંસ્કૃતિને હજારો કિલોમીટર દૂર સુધી પહોંચાડતો હતો.’