પશ્ચિમ બંગાળના કોલકાતામાં ચોરબાગાનના દુર્ગા પંડાલમાં શનિવારે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાં છે. મૃત્યુ પામેલા 18 લોકોમાં 4 પુરુષો, એક બાળક અને 13 મહિલાઓ સામેલ છે.
જોકે, કોલકાતા મેડિકલ કોલેજના સૂત્રોના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં 20 લોકોનાં મોત થયાની આશંકા છે. દુર્ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. બંગાળ સરકારે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18003455678 શરૂ કર્યો છે. ઘાયલોની સંખ્યા હજુ વધવાની આશંકા છે.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, દુર્ગા પંડાલનો એક ભાગ ધરાશાયી થવાને કારણે નાસભાગ મચી હતી. લાકડાનું માળખું તૂટી પડવાથી આ અકસ્માત થયો. નાસભાગ બાદ ઘણા લોકો જમીન પર બેભાન થઈ ગયા. લોકો તેમની મદદ કરવા પહોંચ્યા.
પશ્ચિમ બંગાળમાં ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં થયેલી ભાગદોડ બાદ અનેક લોકોનાં મોતના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. મેં આ મામલે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે વાત કરી છે. આ દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રશાસન વ્યવસ્થા કરી રહ્યું છે. હું કાલે પશ્ચિમ બંગાળમાં મારા તમામ નિર્ધારિત કાર્યક્રમો મુલતવી રાખી રહ્યો છું, જેથી હોસ્પિટલ જઈને ઘાયલોને મળી શકું. માં દુર્ગાને પ્રાર્થના છે કે તમામ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે પોતાની ત્રણ સહેલીઓ સાથે પંડાલમાંથી બહાર નીકળી રહી હતી. તે સમયે આખો પંડાલ લોકોથી ભરેલો હતો. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો, તેથી કેટલાક લોકો પંડાલની અંદર જ રોકાઈ ગયા હતા. તે દરમિયાન પાછળથી જોરદાર ધક્કો લાગ્યો. આગળ ઊભેલા લોકો પડવા લાગ્યા અને તેમના ઉપર એક પછી એક બીજા લોકો પડતા ગયા. આગળ પડેલા લોકો ઊભા થઈ શકતા ન હતા. ભીડના દબાણને કારણે તેમને બહાર કાઢવા પણ મુશ્કેલ બની રહ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પંડાલના પ્રવેશદ્વારનો તૂટેલો ભાગ તપાસ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ કારણે હાલ પંડાલ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોલકાતાના અન્ય એક પ્રસિદ્ધ પૂજા પંડાલના દરવાજા પણ હાલ બંધ છે.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં શનિવારે સાંજે લગભગ 7:40 વાગ્યે ગિરીશ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના સરદા પાર્ક (ચોરબાગાન) પૂજા પંડાલના એક્ઝિટ ગેટ પર નાસભાગ મચી ગઈ. વરસાદ વચ્ચે પંડાલમાં ભારે ભીડ એકઠી થવાને કારણે આ ઘટના બની.
આ પૂજા સાથે દેવદીપ અધિકારી પણ જોડાયેલા છે. તેઓ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ભત્રીજા છે. જોરાસાંકોથી ભાજપના ધારાસભ્ય વિજય ઓઝા આ પૂજા સમિતિના અધ્યક્ષ છે. ઉત્તર કોલકાતા જિલ્લા ભાજપ અધ્યક્ષ તમોઘ્ન ઘોષ પણ આ આયોજન સાથે જોડાયેલા છે.
ચોરબાગાન દુર્ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 11 વર્ષમાં દુર્ગા પંડાલની ત્રણ ઘટનાઓ બની છે. 19 ઑક્ટોબર 2015-દેશપ્રિય પાર્ક: 88 ફૂટ ઊંચી દુર્ગાની મૂર્તિ જોવા ઉમટેલી ભીડમાં નાસભા જેવી સ્થિતિ સર્જાઈ. 11 લોકો ઘાયલ થયા. પંડાલ બંધ કરવો પડ્યો. 30 સપ્ટેમ્બર 2017- સંતોષ મિત્રા સ્ક્વેર: પંડાલના ઝુમ્મરમાંથી તણખો અને ધુમાડો નીકળ્યા બાદ સુરક્ષા માટે દર્શન લગભગ 14 કલાક બંધ રહ્યા. કોઈ ઘાયલ થયું નહીં. 28 ઑક્ટોબર 2020- એફડી બ્લોક, સોલ્ટ લેક: દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાથી આખો પંડાલ અને મૂર્તિ બળીને ખાખ થઈ ગયા. કોઈ ઘાયલ થયું નહીં.