સત્ય. સાહસ. સંકલ્પ.

કોલકાતા હત્યાકાંડ: મહિલાના 30 ટુકડા, ઓળખ માટે દેશમાં પ્રથમ વાર શબ પર પ્લાસ્ટિક સર્જરી

કોલકાતા હત્યાકાંડ: મહિલાના 30 ટુકડા, ઓળખ માટે દેશમાં પ્રથમ વાર શબ પર પ્લાસ્ટિક સર્જરી

30 જાન્યુઆરી, 1954. સવારે લગભગ સાડા પાંચ વાગ્યા હતા. કોલકાતાનો કાલીઘાટ વિસ્તાર ગાઢ ધુમ્મસથી છવાયેલો હતો. શહેર હજુ પૂરું જાગ્યું ન હતું. એક સફાઈ કર્મચારી કેઓડાતાલા સ્મશાનની બાજુમાં આવેલા જાહેર શૌચાલયની બહાર હંમેશની જેમ સફાઈ કરી રહ્યો હતો. ત્યાં અખબારનાં બંડલમાંથી તેને માણસની આંગળીઓ દેખાઈ.

એકલદોકલ લોકો ત્યાંથી પસાર થયા. તેમનું ધ્યાન પણ આ બંડલો પર ગયું, પણ તેમણે કચરો માનીને નજર હટાવી લીધી. પરંતુ સફાઈ કર્મચારીની કામ કરવાની ગતિ ધીમી પડી ગઈ. તેનું ધ્યાન બંડલ પરથી હટતું નહોતું. તે ધીમેથી ત્રણેય બંડલની નજીક ગયો. નજીકથી જોયા પછી તેણે બંડલ પર સૂકા લોહીના ડાઘ અને ફાટેલાં અખબારમાંથી બહાર નીકળતી માનવ આંગળીઓ જોઈ. ત્યાં જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

‘ખૂન… મૃતદેહો… પુલીસ… કેઓ પુલીસ દાકુન…’

થોડીવારમાં જ ભીડ ભેગી થઈ ગઈ. તરત જ ટોલીગંજ પોલીસ સ્ટેશનમાં સમાચાર પહોંચ્યા. પોલીસ મારતી ગાડીએ ઘટનાસ્થળે પહોંચી. જ્યારે પોલીસે બંડલો ખોલ્યા, ત્યારે તેમની પણ આંખો પહોળી રહી ગઈ. પોટલાઓમાંથી 21 નવેમ્બર 1953ની તારીખ ધરાવતા ‘યુગાંતર’ અખબારમાં વીંટેલા મહિલાના હાથના અઢળક ટુકડા મળ્યા. કોણીથી આંગળીઓ સુધીના અનેક ટુકડા. યોગ્ય કાર્યવાહી કરીને પોલીસ માનવઅંગોના ટુકડા લઈને ત્યાંથી રવાના થઈ.

થોડા કલાકો પછી, બપોરે 1 વાગ્યાની આસપાસ, કાલીઘાટ પાર્કમાંથી બીજો રિપોર્ટ આવ્યો. એક પેટ્રોલિંગ ગાર્ડને ગીચ ઝાડીઓ વચ્ચે અખબારમાં લપેટાયેલા આવાં જ બંડલો મળ્યાં. જ્યારે તેણે અખબારનો એક ખૂણો ફાડ્યો ત્યારે તે પણ ચીસો પાડી ઊઠ્યો. તેમાં પણ માનવઅંગો હતાં!

હવે આ કેસ ફક્ત ટોલીગંજ પોલીસના હાથમાં ન રહ્યો. કોલકાતા પોલીસ મુખ્યાલય લાલબજારથી હોમિસાઇડ વિભાગની એક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. આખા પાર્કને ઘેરી લેવામાં આવ્યો, અને દરેક પેકેટ એક પછી એક ખોલવામાં આવ્યું. પહેલા પેકેટમાં એક મહિલાના પગના ટુકડા હતા, ઘૂંટણથી પગના પંજા સુધી. બીજામાં ધડ હતું, જે ત્રણ ભાગમાં કાપવામાં આવ્યું હતું. ત્રીજામાં એક માથું હતું, જેની આંખો કાઢી નાખવામાં આવી હતી. કાન, નાક અને હોઠ પણ કાપી નાખવામાં આવ્યા હતા, ચહેરા પરની ચામડી સંપૂર્ણપણે છોલી નાખી હતી, અને વાળ ઉખાડી લેવામાં આવ્યા હતા. કોઈપણ રીતે ચહેરો ઓળખી શકાય તેવો રહ્યો નહોતો.

પરંતુ ચોથા પેકેટમાં જે મળ્યું તે આખી પોલીસ ટીમને સ્તબ્ધ કરી ગયું. એક સંપૂર્ણ વિકસિત ગર્ભ, એક બાળક જેની થોડા કલાકો કે દિવસોમાં જન્મવાની શક્યતા હતી, પરંતુ તેની માતાના ગર્ભમાં જ તેની હત્યા કરવામાં આવી હતી. ઝાડીઓમાં શોધ ચાલુ રહી, ત્યારે બીજું એક પોટલું મળી આવ્યું, જેમાં જાંઘના ટુકડા હતા.

એ જ દિવસે કાલીઘાટ પાર્ક પાસેથી એ જ રીતે મહિલાના અંગો મળ્યા, તે સાથે જ આખા કલકત્તામાં ચકચાર મચી ગઈ. 30 જાન્યુઆરીની એ રાત સુધીમાં કોલકાતા પોલીસ પાસે એક ગર્ભવતી મહિલાની ડઝનબંધ ટુકડાઓમાં વહેંચાયેલી લાશ અને એક મૃત ભ્રૂણ હતું. પરંતુ તે મહિલાનું કોઈ નામ, ઓળખ કે ચહેરો નહોતો. પોલીસની સામે બે પ્રશ્નો હવામાં લટકતા હતાઃ આ મહિલા કોણ હતી અને તેની સાથે આવું રાક્ષસી કૃત્ય કોણે કર્યું?

જ્યારે આ કેસનું ઇન્વેસ્ટિગેશન આગળ વધ્યું ત્યારે તે આખા દેશના સૌથી ચોંકાવનારા ગુનાઓમાં સામેલ થયો. એટલું જ નહીં, આજથી સાત દાયકા પહેલાંના એ સમયમાં, જ્યારે મેડિકલ સાયન્સ ભાંખોડિયાં ભરતું હતું, ત્યારે ભારતમાં સૌપ્રથમવાર કોઈ મૃત વ્યક્તિની ઓળખ કરવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લેવામાં આવ્યો હતો.

બીજા દિવસે શરીરના બધા ભાગો કોલકાતાની નીલ રતન સરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા. ડોકટરોની એક ખાસ ટીમને બોલાવવામાં આવી, જેમણે સોય અને દોરાથી સાતથી આઠ કલાકની મહેનત પછી શરીરના ભાગોને એકબીજા સાથે જોડીને સાંધ્યા. કોઈ ખોફનાક જિગસો પઝલ જોડતા હોય તે રીતે 30થી વધુ બોડી પાર્ટ્સ જોડવામાં આવ્યા.

ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરાયું. તેમાં જાણવા મળ્યું કે મહિલાનું મૃત્યુ ગરદન પર ઊંડા, તીક્ષ્ણ ઘાથી થયું હતું.