ગીર સોમનાથના ઉનામાં કોળી સેના દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી સેના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા દ્વારા પ્રથમવાર યોજાયેલા આ સ્નેહમિલનમાં મત્સ્યઉદ્યોગ રાજ્ય મંત્રી અને કોળી સેનાના સ્થાપક પરસોત્તમ સોલંકી તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોળી સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એક મંચ પર આવ્યા હતા.
આ સ્નેહમિલનમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનને લઈને ચર્ચા શરૂ થઈ છે. સમાજને સંબોધતા તેમણે સિંહની ઉપમા આપીને કહ્યું કે, આપણે સિંહના સંતાન છીએ, કોઈના બોલવાથી આપણને ફરક પડતો નથી. સિંહ ફરતો હોય અને તેની આસપાસ શ્વાન ઘણા હોય, પરંતુ સિંહ પોતાની મસ્તીમાં રહે છે. સિંહની એક ડણકથી બધા ભાગી જાય છે. પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરવાની જરૂર નથી.
પરસોત્તમ સોલંકીએ નામ લીધા વગર કેટલાક કોળી આગેવાનોને પણ આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે કેટલાક કોળી આગેવાનો નુગરા છે. સત્તા પર આવ્યા બાદ ઘણા લોકો સમાજને ભૂલી જાય છે અને તેમને સૌથી પહેલાં પૈસા દેખાય છે. સમાજના હિત કરતાં પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપતા આવા લોકોને મત આપવા કરતાં મતદાન જ ન કરવું જોઈએ તેવું નિવેદન પણ તેમણે આપ્યું હતું.
પરસોત્તમ સોલંકીએ પોતાના સંબોધનમાં કોળી સમાજમાં એકતા, ભાઈચારો અને સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. જોકે, નામ લીધા વગર કેટલાક સમાજના આગેવાનો પર કરવામાં આવેલા તેમના પ્રહારને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. સોલંકીનો ઈશારો આખરે કોના તરફ હતો તે સવાલ પણ સ્નેહમિલન બાદ ચર્ચાઈ રહ્યો છે.