સત્ય. સાહસ. સંકલ્પ.

કોળી સમાજમાં રાજકીય કકળાટ: દેવજીભાઈ ફતેપરાના નિવેદન પર પ્રવીણ કોળીનો પડકાર

કોળી સમાજમાં રાજકીય કકળાટ: દેવજીભાઈ ફતેપરાના નિવેદન પર પ્રવીણ કોળીનો પડકાર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના અમરાપુર ગામે યોજાયેલા કોળી સમાજના સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસ, બંને પક્ષોના કોળી સમાજના અગ્રણી નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, બાબુભાઈ વાંઝા, દેવાભાઈ માલમ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ રહી હતી.

આ સંમેલન દરમિયાન ભાજપના પૂર્વ સાંસદ અને કોળી સમાજના આગેવાન દેવજીભાઈ ફતેપરાએ નિવેદન આપ્યું હતું કે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ બેઠક પરથી આગામી વિધાનસભા ચૂંટણી લડશે અને જીત મેળવીને ફરીથી રાજ્ય સરકારમાં મંત્રી બનશે. આ નિવેદનને લઈને હવે રાજકારણ ગરમાયું છે.

દેવજીભાઈ ફતેપરાના આ નિવેદન બાદ કોળી સમાજના જ આગેવાન પ્રવીણ કોળીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ રાજકીય સંમેલન છે, સમાજને આ સંમેલન સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પર સમાજના નામે રાજકારણ કરવાનો અને ચૂંટણી જીત્યા બાદ વાયદાઓ પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રવીણ કોળીએ વધુમાં જણાવ્યું કે હવે દેશ યુવાનોના હાથમાં જઈ રહ્યો છે અને ભાજપ પણ નવી પેઢીના એટલે કે 'જેન્ઝી' નેતાઓને ટિકિટ આપી રહ્યું છે, ત્યારે કુંવરજીભાઈ બાવળીયાએ પણ હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.