ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા વધી છે. જસદણના અમરાપુરમાં કોળી સમાજના સ્નેહમિલન બાદ સમાજના આગેવાનો વચ્ચેના નિવેદનો ચર્ચામાં આવ્યા છે.
સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કુંવરજી બાવળીયાને નિવૃત્તિ લેવાની વાત કરી હતી. જવાબમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજી બાવળીયાની તરફેણ કરતાં કહ્યું કે જો સમાજ ઈચ્છતો હોય કે કુંવરજીભાઈ પ્રતિનિધિત્વ કરે, તો તેમના રાજીનામાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે ઉમેર્યું કે કુંવરજીભાઈ અંગેનો નિર્ણય જસદણની જતના લેશે.
દેવજી ફતેપરાએ જણાવ્યું કે કોળી સમાજને રાજકીય અને સામાજિક રીતે આગળ લાવવામાં કુંવરજી બાવળીયાનું મોટું યોગદાન રહ્યું છે. તેમણે ગાંધીનગરમાં શિક્ષણ ભવનની જમીન માટેનું કામ ૫૦ ટકા પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો પણ કર્યો.
પૂર્વ સાંસદે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યા પછી કોળી સમાજનું રાજકારણમાં પ્રભુત્વ વધ્યું છે. તેમણે દાવો કર્યો કે પહેલાં સમાજને માત્ર એક જ સાંસદની ટિકિટ મળતી હતી, જ્યારે હવે સૌરાષ્ટ્રમાં ત્રણ લોકસભા ટિકિટ મળે છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે વસ્તીના પ્રમાણ મુજબ એકપણ રાજકીય પક્ષ કોળી સમાજને ટિકિટ આપતો નથી.
નોંધનીય છે કે આ તમામ નિવેદનો સમાજના એક જ કાર્યક્રમ દરમિયાન આવ્યા હોવાથી આગામી ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં સમાજના પ્રતિનિધિત્વ અંગેની ચર્ચાને વેગ મળ્યો છે.