ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજ આધારિત રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. મુખ્યમંત્રી પદમાં કોળી સમાજને પ્રાથમિકતા આપવાની માંગને ઋષિ ભારતી બાપુએ ખુલ્લું સમર્થન આપ્યું છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સમર્થન આપતાં તેમણે જણાવ્યું કે મોટી સંખ્યામાં મતદારો ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી.
ઋષિ ભારતી બાપુએ આરોપ કર્યો કે ભાજપના શાસનમાં કોળી સમાજને મહત્વના હોદ્દા અને ખાતાઓ આપવામાં પૂરતી પ્રાથમિકતા મળતી નથી. તેમણે કુંવરજી બાવળિયાની મુખ્યમંત્રી બનવાની લાયકાત અંગે પણ સ્પષ્ટ સમર્થન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે કુંવરજી બાવળિયા જેવા નેતાઓમાં મુખ્યમંત્રી બનવાની ક્ષમતા છે, પરંતુ સમાજને તેના હકનું પ્રતિનિધિત્વ મળતું નથી. તેમણે રાજકીય અને ધાર્મિક ક્ષેત્રોમાં જ્ઞાતિવાદ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ વચ્ચે ભાવનગરના પાલીતાણામાં કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં જૂનાગઢના સમાજ આગેવાન રાજુભાઈ વંશે સમાજને રાજકીય હક અને અધિકારો માટે જાગૃત થવાની હાકલ કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે 3 કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વમાં યોગ્ય ન્યાય કેમ મળતો નથી. તેમણે કોળી સમાજને પણ યોગ્ય રાજકીય સ્થાન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
બીજી તરફ, ધારાસભ્ય હીરા સોલંકીએ કોળી સમાજને મુખ્યમંત્રી બનાવવાની માંગ વચ્ચે વધુ એકવાર સ્પષ્ટતા કરી હતી. તેમણે ભાઈ પરસોત્તમ સોલંકીના નિવેદન અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે ભાજપે હંમેશા કોળી સમાજને ઉચ્ચ સ્તરે સ્થાન આપ્યું છે અને કોળી સમાજમાંથી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા તે તેનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રી કોને બનાવવા તે પાર્ટીનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે, તેમ તેમણે કહ્યું હતું.
હીરા સોલંકીએ પરસોત્તમ સોલંકીના નિવેદનને યોગ્ય ગણાવતાં કહ્યું કે દરેક વ્યક્તિના વિચારો અલગ હોઈ શકે છે. સમાજને હજુ મોટું સ્થાન મળવું જોઈએ તે વાતને પણ તેમણે યોગ્ય ગણાવી હતી. તેમનું કહેવું હતું કે જો સમગ્ર સમાજની લાગણી હોય કે કોળી સમાજને મુખ્યમંત્રી પદ મળે તો તે મળવું જોઈએ, પરંતુ મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી જ કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીએ કોળી સમાજને મોટું સ્થાન મળવાની વાત કરી હતી, જ્યારે પબુભા માણેકે કોળી સમાજને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ઋષિ ભારતી બાપુ, પબુભા માણેક, રાજુભાઈ વંશ અને મંત્રી પરસોત્તમ સોલંકી સહિતના આગેવાનોએ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને સમર્થન આપ્યું છે. આગેવાનોનું કહેવું છે કે મોટી સંખ્યામાં મતદારો ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી.