સત્ય. સાહસ. સંકલ્પ.

કોળી સમાજના સીએમ મુદ્દે મંત્રી સોલંકીનું સમર્થન, કહ્યું 'આવતા દિવસોમાં રિઝલ્ટ મળશે'

કોળી સમાજના સીએમ મુદ્દે મંત્રી સોલંકીનું સમર્થન, કહ્યું 'આવતા દિવસોમાં રિઝલ્ટ મળશે'

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજી એક વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ દ્વારકાના ભાજપ ધારાસભ્ય પબુભા માણેકના કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાના નિવેદનથી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે હવે રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ પ્રતિક્રિયા આપી છે.

ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં મંત્રી પરષોત્તમ સોલંકીએ કહ્યું કે, પબુભા માણેકે જે નિવેદન આપ્યું છે તેને તેમનું સમર્થન છે. તેમણે ઉમેર્યું કે, “આવતા દિવસોમાં આનું પરિણામ મળશે જ, મળશે.” સાથે જ તેમણે જણાવ્યું કે, કોળી સમાજને પણ સમાજની ગણતરીમાં મોટું સ્થાન મળવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, દ્વારકા ખાતે કોળી સમાજની વાડીમાં 12 નવેમ્બરે યોજાયેલા માતાજીના માંડવાના પ્રસંગે પબુભા માણેકે કહ્યું હતું કે, મુખ્યમંત્રી પણ કોળી સમાજમાંથી હોવા જોઈએ. આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી પણ હાજર હતા. પબુભાએ વધુમાં જણાવ્યું હતું કે, કોળી સમાજ ગુજરાતમાં સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરનો સમાજ છે, અને યુવાનોએ આ મુદ્દે જાગવું જોઈએ.

પબુભાના આ નિવેદનને લઈને ભાજપના કોળી સમાજના ધારાસભ્યોમાં પણ ચર્ચા છે. કેટલાક આગેવાનો વચ્ચે કુંવરજી બાવળિયાના રાજકીય ભવિષ્યને લઈને મતભેદ પણ સામે આવ્યા છે. જોકે, મુખ્યમંત્રીપદનો નિર્ણય પાર્ટી પર છોડવો જોઈએ કે સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવી જોઈએ, તે અંગે ધારાસભ્યોમાં એકમત જોવા મળતો નથી.

રાજકીય નિરીક્ષકોના મતે, આ નિવેદનો દ્વારા કોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વ અને સત્તામાં વધુ સ્થાન આપવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આગામી ચૂંટણી પહેલા સમાજવાદી રાજકારણમાં આ મુદ્દો કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહેશે.