સત્ય. સાહસ. સંકલ્પ.

કોહલીનો એકહાથે કેચ: ઓકલેન્ડમાં ભારતીય ફિલ્ડિંગનો દબદબો

કોહલીનો એકહાથે કેચ: ઓકલેન્ડમાં ભારતીય ફિલ્ડિંગનો દબદબો

ઓકલેન્ડના ઈડન પાર્કમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમના સિનિયર ખેલાડી વિરાટ કોહલીએ તેમની ફિલ્ડિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું. પહેલા રોહિત શર્માએ શાનદાર થ્રોથી ડેરીલ મિચેલને રનઆઉટ કરાવ્યો અને ત્યારબાદ કોહલીએ પોતાના જોરદાર કેચથી મેચમાં મહત્વની ક્ષણ ઉમેરી.

ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 29મી ઓવરના ત્રીજા બોલ પર અંશુલ કંબોજે ફૂલ લેન્થ બોલ નાખ્યો હતો, જેને નાથન સ્મિથે ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો. બોલ બેટની બહારની ધાર લઈને બીજી સ્લિપ તરફ ઝડપથી ગયો. ત્યાં ઊભેલા વિરાટ કોહલીએ જમણી બાજુ ડાઇવ મારીને જમીનથી થોડા ઉપર બોલને એકહાથે ઝડપી લીધો. કેચ અંગે કોહલી પૂરી રીતે આશ્વસ્ત હતા અને ટીવી અમ્પાયરે રિપ્લે જોયા બાદ તેને ક્લીન કેચ જાહેર કર્યો. નાથન સ્મિથ 9 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો.

કેચ પકડ્યા બાદ કોહલીએ થોડે દૂર સુધી દોડીને બોલ અમ્પાયર તરફ ફેંક્યો અને પછી પોતાનું ખાસ 'બો એન્ડ એરો' (ધનુષ અને તીર) સેલિબ્રેશન કર્યું. તેણે જીભ બહાર કાઢીને સાથી ખેલાડીઓ સાથે હસતાં-હસતાં ઉજવણી કરી. વિરાટ આવતીકાલે 38 વર્ષનો થશે.

કોહલી અહીં અટક્યો નહીં. તેણે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 32મી ઓવરના પહેલા બોલ પર કાઇલ જેમિસનનો કેચ પણ પકડ્યો. અર્શદીપ સિંહના શોર્ટ ઓફ લેન્થ બોલ પર જેમિસને બેટ અડાડ્યું, પરંતુ બોલ સીધો કવર પર ઊભેલા કોહલીના હાથમાં ગયો. જેમિસન 6 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો. આ વિકેટ સાથે ન્યૂઝીલેન્ડે પોતાની આઠમી વિકેટ ગુમાવી હતી.

આ પહેલા રોહિત શર્માએ પણ પોતાની ફિલ્ડિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે ડેરીલ મિચેલને રનઆઉટ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મિડવિકેટથી ઝડપથી બોલ તરફ દોડતા રોહિતે શાનદાર અંડરઆર્મ થ્રો કર્યો હતો અને કેએલ રાહુલે વિકેટ પાછળ સ્ફુર્તી બતાવતા મિચેલને રનઆઉટ કરી દીધો હતો. આ રીતે ઓકલેન્ડમાં ભારતીય ટીમના બંને અનુભવી ખેલાડીઓએ પોતાની ફિલ્ડિંગથી ખાસ છાપ છોડી.