સત્ય. સાહસ. સંકલ્પ.

કોહલી ICC વન-ડે રેન્કિંગમાં બીજા નંબરે, ગિલ ટોપ પર

કોહલી ICC વન-ડે રેન્કિંગમાં બીજા નંબરે, ગિલ ટોપ પર

વિરાટ કોહલી ICCની વન-ડે બેટર્સ રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં અણનમ 139 રનની ઇનિંગ રમવાનો તેને લાભ મળ્યો. કોહલીના હવે 796 રેટિંગ પોઈન્ટ છે. તે ટોચ પર રહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલથી માત્ર 20 પોઈન્ટ પાછળ છે. રેન્કિંગ દર અઠવાડિયે બુધવારે જાહેર કરવામાં આવે છે.

27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં કોહલીએ 88 બોલમાં અણનમ 139 રન બનાવ્યા હતા. આ તેની વન-ડે કારકિર્દીની 55મી સદી હતી. આ જ ઇનિંગ દરમિયાન તેણે વન-ડે ક્રિકેટમાં 15 હજાર રન પણ પૂરા કર્યા. સચિન તેંડુલકર બાદ આ આંકડો સ્પર્શનારા તે બીજા બેટર બન્યો. ભારતે આ મુકાબલો 8 વિકેટે જીત્યો હતો.

બેટર્સ રેન્કિંગના ટૉપ-4માં 3 ભારતીય બેટર્સ સામેલ છે. શુભમન ગિલે પણ વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી હતી. તેણે 110 રનની ઇનિંગ રમી હતી. આ પછી ગિલ 816 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-1 પર છે. કોહલી બીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને પાછળ છોડી દીધો છે. તે 794 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતનો રોહિત શર્મા 753 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. એટલે કે વર્તમાન ટૉપ-4માં ભારતના ત્રણ બેટર્સ સામેલ છે.

શ્રીલંકાના કુસલ મેન્ડિસને પણ નવી રેન્કિંગમાં ફાયદો થયો છે. ઇંગ્લેન્ડ સામે 121 રનની ઇનિંગ્સ રમ્યા બાદ તે ત્રણ સ્થાન ઉપર ચઢીને સાતમા નંબરે પહોંચી ગયો છે. તેના 674 રેટિંગ પોઈન્ટ છે. ઇંગ્લેન્ડના બેટર્સમાં માત્ર જો રૂટ ટોપ-10માં છે અને તે 9મા નંબરે છે. કેપ્ટન હેરી બ્રુક એક સ્થાન ઉપર ચઢીને 11મા નંબરે પહોંચી ગયો છે. તેણે સિરીઝની છેલ્લી વન-ડેમાં 77 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે આ મુકાબલો 223 રનથી જીત્યો હતો.

બોલરોની રેન્કિંગમાં ભારતના કુલદીપ યાદવ ચાર સ્થાન ઉપર ચઢીને પાંચમા નંબરે પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં કમબેક કરતાં તેણે 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો. વન-ડે બોલરોની રેન્કિંગમાં સાઉથ આફ્રિકાનો કેશવ મહારાજ ત્રણ સ્થાન ઉપર ચઢીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે 2/54 અને 4/20ના પ્રદર્શન કર્યા હતા.

વન-ડે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ 337 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા 276 અને બાંગ્લાદેશનો મેહદી હસન મિરાજ 260 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાન પર છે. ભારતનો અક્ષર પટેલ 206 પોઇન્ટ સાથે 9મા નંબર પર છે.