ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ ટાર્ગેટ ચેઝ કરતા સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. કોહલીએ 8741 રન બનાવીને સચિનના 8720 રનને પાછળ છોડી દીધા.
કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 1,971 રન પૂરા કરીને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. બંને બેટર આ મામલે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. વધુમાં, કોહલી વનડેમાં નંબર-3 પર બેટિંગ કરતા 13 હજાર રન બનાવનાર વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે. તેમણે ઇનિંગ્સની 7મી ઓવરના બીજા બોલ પર પોતાનો 12મો રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ પોઝિશન પર પોન્ટિંગ 12,662 રન સાથે બીજા સ્થાને છે.
કોહલીએ 35 બોલમાં અર્ધસદી પૂરી કરી, જે વિદેશી મેદાન પર વનડેમાં તેમની બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલાં તેમણે 2016માં કેનબેરામાં ઓસ્ટ્રેલિયા સામે 34 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
બીજી તરફ, રોહિત શર્મા વનડેમાં 17મી વખત શૂન્ય પર આઉટ થયા છે. આ સાથે તેમણે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે, જેમણે 16 વખત શૂન્ય પર આઉટ થયા હતા.
ન્યૂઝીલેન્ડની ટીમ ઓકલેન્ડમાં ભારત સામે 185 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત સામે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડનો આ ચોથો સૌથી ઓછો વનડે સ્કોર છે. 1994માં પણ ઓકલેન્ડમાં જ ન્યૂઝીલેન્ડ 142 રન પર ઓલઆઉટ થઈ હતી.
નંબર-11 પર બેટિંગ કરતાં બ્લેર ટિકનરે 4 છગ્ગા ફટકાર્યા. તેમણે વનડેમાં નંબર-11 પર બેટિંગ કરતાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી. આ પહેલાં પાકિસ્તાનના મોહમ્મદ આમિર અને નસીમ શાહે આવું કર્યું હતું.
મેચની શરૂઆત પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના રગ્બી ખેલાડી કેવિન મીઆલામુ સાથે મુલાકાત કરી. તેમને તેમના નામવાળી ખાસ રગ્બી જર્સી ભેટ આપવામાં આવી.
વરસાદને કારણે ટોસ મોડો થયો અને મેચ 10 મિનિટના વિલંબ સાથે શરૂ થઈ. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન ગ્લેન ફિલિપ્સ બેટિંગ કરવા આવ્યા ત્યારે વિરાટ કોહલીએ WWE રેસલર જૉન સીનાનો પ્રખ્યાત ‘યુ કાન્ટ સી મી’ ઈશારો કર્યો. આ પાછળ રસપ્રદ કારણ એ છે કે ન્યૂઝીલેન્ડમાં ફિલિપ્સ બેટિંગ કરવા આવે ત્યારે સ્ટેડિયમનો DJ જૉન સીનાનું એન્ટ્રન્સ મ્યુઝિક વગાડે છે.
ન્યૂઝીલેન્ડના બોલર કાઇલ જેમીસનને આઉટ કર્યા બાદ અર્શદીપ સિંહે ડાન્સ સ્ટેપ કર્યા. પ્રથમ ઇનિંગ્સ પૂરી થયા બાદ બ્રોડકાસ્ટર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ ડાન્સ તેમની ગર્લફ્રેન્ડ સમરીન કૌર માટે હતો.