ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે એક મહત્ત્વની ઘટના સામે આવી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ જાહેર કર્યું છે કે 2027નો વનડે વર્લ્ડ કપ તેમની કારકિર્દીની છેલ્લી વિશ્વ કપ ટૂર્નામેન્ટ હશે. તેમણે કહ્યું કે તેઓ આ ટૂર્નામેન્ટમાં પોતાની પૂરી શક્તિ અને મહેનત રેડી દેશે.
કોહલીએ આ વાત જિયો-હોટસ્ટાર સાથેની વાતચીતમાં કહી. તેમણે જણાવ્યું કે વિશ્વ કપ વિદેશી પરિસ્થિતિઓમાં રમાય છે, જેમાં ખેલાડીની ઘણી ઊર્જા અને મહેનત ખર્ચ થાય છે. "મારા માટે આ છેલ્લો વર્લ્ડ કપ હશે અને એ જ મારી પ્રેરણાનો સ્રોત છે. હું મારો પૂરો જીવ રેડી દઈશ," એમ તેમણે કહ્યું.
2027નો વનડે વર્લ્ડ કપ 4 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં રમાશે. મોટાભાગની મેચો દક્ષિણ આફ્રિકામાં થશે, જ્યાં કોહલીની વનડે સરેરાશ 76.38ની છે. આ વખતે ટૂર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લેશે. પહેલા રેન્કિંગમાં નીચેની ત્રણ ટીમો વચ્ચે સુપર-3 સીરિઝ રમાશે, ત્યારબાદ 12 ટીમો વચ્ચે સુપર-7 સ્ટેજની ટક્કર થશે.
કોહલી માટે આ પોતાની કારકિર્દીનો પાંચમો વનડે વર્લ્ડ કપ હશે. તેમણે અત્યાર સુધી બે વર્લ્ડ કપ ફાઇનલ રમી છે—2011 અને 2023—અને બંને ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાઈ હતી. 2011ની ફાઇનલમાં શ્રીલંકા સામે તેમણે 35 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જ્યારે 2023ની ફાઇનલમાં તેમણે 54 રન બનાવ્યા હતા, પરંતુ ભારત ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારી ગયું હતું.
50 ઓવરના ફોર્મેટ અંગે કોહલીએ કહ્યું કે તે પોતાની રીતે અલગ પડકાર છે. એક જ દિવસમાં અઢી ટી20 મેચ રમવા જેટલી મહેનત માંગે છે અને આખી ટૂર્નામેન્ટમાં આવી 10 મેચ રમવી ખરેખર પડકારજનક રહેશે.
વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં કોહલી બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમણે 37 ઇનિંગ્સમાં 1795 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 12 ફિફ્ટીનો સમાવેશ થાય છે. 2027ના વર્લ્ડ કપમાં તેમણે માત્ર 205 રન વધુ બનાવ્યા તો તેઓ વર્લ્ડ કપમાં 2000 રન પૂરા કરનારા માત્ર બીજા બેટ્સમેન બનશે. તેમના પહેલા આ સિદ્ધિ માત્ર સચિન તેંડુલકરે હાંસલ કરી છે, જેમણે 44 ઇનિંગ્સમાં 2278 રન બનાવ્યા હતા.