પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારે (18 સપ્ટેમ્બર, 2026) નમાઝ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. 'પોલીસ લાઇન્સ' વિસ્તારમાં આવેલી મસ્જિદ નજીક થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
કોહાટની સરકારી હોસ્પિટલના અધિકારી તાહિર અલી શાહે જણાવ્યું કે હોસ્પિટલમાં 15 મૃતદેહો અને 50થી વધુ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. હોસ્પિટલમાં ઓછામાં ઓછા 25 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, જિલ્લા મુખ્યાલય (DHQ) હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તાહિર અલી શાહે કહ્યું કે વિસ્ફોટ બાદ 15 લોકોના મૃતદેહો અને 50થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ શુક્રવારની (જુમાની) નમાઝ દરમિયાન થયો હતો અને મસ્જિદની બહારની જમીનમાં મોટો ખાડો પડી ગયો છે. ધમાકાને કારણે મસ્જિદના બહારના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. ઈજાગ્રસ્તોમાં ઘણા પોલીસકર્મીઓ પણ સામેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.
ઘટના બાદ પ્રશાસને કોહાટ-હંગૂ રોડ બંધ કરી દીધો છે અને 'પોલીસ લાઇન્સ' વિસ્તારમાં વધુ સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધતાં હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ધમાકો કેવી રીતે થયો અને તેની પાછળ કોનો હાથ છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં, ફેબ્રુઆરી મહિનામાં, ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં પણ ભયાનક વિસ્ફોટ થયો હતો. ત્યાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો, જેમાં 70થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 250 લોકો ઘાયલ થયા હતા.