ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સગીરાના અપહરણ અને ધર્માંતરણના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામના રહેવાસી છે. તેમાંથી બે આરોપીઓ ઉનાવાની મીરા દાતાર દરગાહ પાછળ રહે છે.
કોડીનારની બલરામ સોસાયટીમાં રહેતાં હેતલબેન સામતભાઈ બાંભણિયાએ 24 ઓક્ટોબર 2026ના રોજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજ તથા મોબાઇલ ટાવર લોકેશનના આધારે જાણવા મળ્યું કે ગુમ થયેલી સગીરા સાથે અન્ય એક સગીરા પણ હતી.
પોલીસ તપાસમાં બંને સગીરાઓ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામની એક દરગાહમાં હોવાની માહિતી મળી. પોલીસની ટીમ તાત્કાલિક ઉનાવા પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી બંને સગીરાઓને સુરક્ષિત રીતે શોધી કાઢી કોડીનાર લાવવામાં આવી. તેમની માતાની હાજરીમાં પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાની વિગતો સામે આવી.
પોલીસના જણાવ્યા મુજબ, સાકીર ઉર્ફે બબલી અતાફભાઈ પઠાણે અબ્દુલ હમીદભાઈ સંધીના કહેવાથી બંને સગીરાઓને ઉનાવા બોલાવી હતી. ત્યાં દરગાહના આસીફ કવાલી ઉર્ફે મરાઠ સાથે તેમની ઓળખાણ કરાવવામાં આવી હતી. આ દરમિયાન સગીરાઓને હિંદુ ધર્મનો ત્યાગ કરીને ઇસ્લામ ધર્મ અપનાવશે, મુસ્લિમ યુવક સાકીર ઉર્ફે બબલી સાથે લગ્ન કરશે અને અલ્લાહની ઇબાદત કરશે તો તેમનાં તમામ દુઃખ દૂર થશે તેમજ સારી સુવિધાઓ મળશે તેવી વાતો કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ત્યારબાદ એક સગીરાનું નામ બદલીને 'રોશન તાબા' રાખવામાં આવ્યું હતું. તેને કાળો બુરખો પહેરાવી દરગાહમાં ઇસ્લામ ધર્મની વિધિ કરાવી, કલમા અને નમાજ પઢાવી ધર્માંતરણ કરાવાયું હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓએ સગીરાઓને પોલીસથી બચાવવા મોબાઇલના સિમકાર્ડ તોડી નાખવા પણ જણાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી હતી. ભોગ બનનાર સગીરા સાથે ઉનાવા ખાતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું મેડિકલ તપાસમાં જણાયું હતું. આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવતાં પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો હતો.
આ કેસમાં કોડીનાર પોલીસે ગુનો નોંધી પ્રથમ તબક્કામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કોડીનારના અબ્દુલભાઈ હાસમભાઈ જોખિયા, ઉનાવાના મહમદ આશીફ અબ્દુલભાઈ અંસારી અને સાકીર હુસેન ઉર્ફે બબલી અતાફભાઈ પઠાણનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક દ્વારા આ ગંભીર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. SITની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં. પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.
1. તાલિબ હુસેન મુસ્તાકભાઈ શેખ: ઉનાવા દરગાહ પાછળ રહેતા આ આરોપીએ બંને ભોગ બનનાર સગીરાઓ સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.
2. હુસેનભાઈ જમશેદભાઈ શેખ: ઉનાવામાં બસ સ્ટેન્ડ પાસે રહેતા આ આરોપીએ અન્ય આરોપી સાથે મળીને બંને સગીરાઓ સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.
3. નાઝીમઅલી સમીમિયા સૈયદ: ઉનાવામાં અલીફા હોટલ પાછળ રહેતા આ આરોપીએ એક સગીરાને દરગાહમાં એકલી બોલાવી વારંવાર ફોન કરીને તેનો પીછો કર્યો હોવાનો આક્ષેપ છે.
આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં તા. 28 ઓક્ટોબર 2026ના રોજ BNSની કલમ 137(2), 87 અને 54, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સંશોધન) અધિનિયમ-2021ની કલમ 4(1), પોક્સો એક્ટની કલમ 17 અને 18 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલમાં ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના ચાર્જ હેઠળ SIT દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાના અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.