સત્ય. સાહસ. સંકલ્પ.

કેરળ: કોચીમાં ઝડપી કારે સ્કૂટરને ટક્કર મારી, ત્રણ મિત્રોના મોત; 19 વર્ષીય ચાલકની ધરપકડ

કેરળ: કોચીમાં ઝડપી કારે સ્કૂટરને ટક્કર મારી, ત્રણ મિત્રોના મોત; 19 વર્ષીય ચાલકની ધરપકડ

કેરળના એર્નાકુલમ જિલ્લામાં કોચી એરપોર્ટ નજીક રવિવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અતિ ઝડપે દોડતી મિની કૂપર કારે સ્કૂટર પર જઈ રહેલા ત્રણ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે યુવતીઓ સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસે 19 વર્ષીય કાર ચાલક સુહેલ સજીવની ધરપકડ કરી છે.

અકસ્માત રવિવારે વહેલી સવારે આશરે 2 વાગ્યે નેદુમ્બાસેરી ખાતે બન્યો હતો. ત્રણેય યુવક-યુવતીઓ નજીકની એક દુકાન પર ચા પીધા બાદ પોતાના સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઓળખ દેવિકા (મૂળ રહેવાસી: વાયનાડ), ગોપિકા (મૂળ રહેવાસી: પલક્કડ) અને ઇઝાઝ (મૂળ રહેવાસી: કર્ણાટક) તરીકે થઈ છે. ત્રણેય મિત્રો ત્રિક્કાકરા ખાતે નોકરી કરતા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કાર ચાલકને ઘેરી લીધો. તે સમયે કાર ચાલકે પસ્તાવો વ્યક્ત કરવાને બદલે ઉદ્ધત અંદાજમાં કહ્યું કે "મારા પપ્પા બધું સંભાળી લેશે." આ નિવેદનથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સુહેલને કસ્ટડીમાં લીધો હતો.

પોલીસે સુહેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ સાપરાધ મનુષ્યવધ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ મેડિકલ તપાસ દરમિયાન સુહેલે સ્વીકાર્યું હતું કે તેણે અકસ્માત પહેલાં દારૂ પીધો હતો, પરંતુ તેનો દાવો હતો કે તેણે "માત્ર બિયર" પીધી હતી.

એર્નાકુલમ રૂરલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) કે. એસ. સુદર્શને પત્રકારોને જણાવ્યું કે, ડ્રાઇવરે દારૂ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું કે નહીં તેની સચોટ પુષ્ટિ માટે લોહીના નમૂના લેવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કારની અંદરથી કોઈ શંકાસ્પદ કે નશીલા પદાર્થો મળ્યા છે કે નહીં તે તપાસવા માટે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ચાલક નશાની હાલતમાં હોવાના મજબૂત સંકેત મળ્યા છે. આ મિની કૂપર કાર સુહેલના પિતાના નામે નોંધાયેલી છે અને સુહેલ પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રસ્તાની સાવ છેલ્લી ડાબી બાજુએ જઈ રહેલા સ્કૂટરને કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પાછળ બેઠેલી એક યુવતી હવામાં ફંગોળાઈ ગઈ હતી. સ્કૂટરના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને તેના ટુકડાઓ આખા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા, જ્યારે મિની કૂપર કારના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું હતું.

ઘટના બાદ જ્યારે સુહેલને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે મૃતકોના કેટલાક મિત્રોએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલની અંદર તેની સાથે બોલાચાલી થયા બાદ જ્યારે પોલીસ તેને બહાર લાવી રહી હતી ત્યારે પાછળથી તેના માથા પર પ્રહાર કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક વચ્ચે પડી વધુ હુમલો અટકાવ્યો હતો અને હુમલો કરનારાઓ પૈકી એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.