જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરાયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ના પાર્થિવ દેહને તેમના વતન પહોંચાડવાની રીતને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કિશ્તવાડથી ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે કે બંને શહીદ જવાનોના મૃતદેહને કોઈ પણ પ્રકારના તાબૂત (કોફિન) વગર સીધા ડમ્પરમાં રાખીને તેમના પૈતૃક ગામ લાવવામાં આવ્યા હતા, જે ડ્યુટી દરમિયાન શહીદ થયેલા જવાનોનું સીધું અપમાન છે. શુક્રવારે કિશ્તવાડના કરિયાર ગામે બંને જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, બ્રિટિશરોને દયાની અરજીઓ લખવાના ઇતિહાસ સાથે જોડાયેલી વૈચારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા અમિત શાહ ક્યારેય કોઈ શહીદના બલિદાનનું મહત્ત્વ સમજી શકતા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ જ કારણ છે કે તેમના શાસનમાં શહીદોના પાર્થિવ શરીરને કોફિન વગર ડમ્પર ટ્રકમાં લાવવામાં આવે છે.
શુક્રવારે કરિયાર ગામે યોજાયેલા અંતિમ સંસ્કાર વખતે ભાજપના ધારાસભ્ય શગુન પરિહાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શગુન પરિહાર અત્યંત ભાવુક થઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પર રોષે ભરાતા નજરે પડે છે. તેમણે આકરી નારાજગી વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે દેશ માટે જીવ આપનાર જવાનો સાથે આવું અસન્માનજનક વર્તન કેમ કરવામાં આવ્યું?
ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે મારવાહના દેહરના જંગલ વિસ્તારમાં ગોળીબારની સૂચના મળ્યા બાદ રશપાલ સિંહ અને બોબી ચંદ નામના આ બંને SPO લાપતા થઈ ગયા હતા. ગુરુવારે સવારે સુરક્ષાદળોને જંગલમાંથી બંનેના ગોળીઓથી વિંધાયેલા શબ મળી આવ્યા હતા, જ્યારે તેમની સર્વિસ રાઇફલ્સ પણ ગાયબ હતી. બંને જવાનો સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) નો ભાગ હતા અને આતંકી ઘટના બાદ હાલ સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારમાં હુમલાખોરોની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.